ભરૂચઃ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં બનેલી એક કરૂણ ઘટનામાં દીકરીના લગ્નના દિવસે જ પિતાનું નિધન થયું હતું. પરિવારે દીકરીને સાસરે વળાવી હતી ને પછી સાસરેથી પાછા આવીને દીકરીએ પિતાને અગ્નિદાહ આપ્યો હતો. આ બંને ઘટના અત્યંત કરૂણ હોવાથી લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. જેમનું નિધન થયું એ પિતા નિવૃત્ત આચાર્ય હતા. તેમણે જ દીકરીને પહેલા સાસરે વળાવીને પચી પોતાના અંતિમ સ્સાકર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ હચમચાવી નાંખનારી ઘટનાની વિગત એવી છે કે, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગીઝરમ ગામના વતની જશવંતસિંહ માંગરોલા જેસપોર હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા બજાવતા હતા. જશવંતસિંહ માંગરોલા લાંબો સમય સુઝી આચાર્ય તરીકે સેવા આપી નિવૃત્ત થયા હતા. જશવંતસિંહ માંગરોલાને પરિવારમાં ત્રણ દીકરીઓ કોમલ, રોશની અને ડો. શિવાની છે. આ પૈકી ડો. શિવાનીના લગ્ન મંગળવારના રોજ નિરધાર્યા હતા. જશવંતસિંહ માંગરોલાની તબિયત ખરાબ રહેતી હોવા છતાં તેમણે દીકરીના લગ્નનો પ્રસંગ સુખરૂપ પતે એ માટે ભારે દોડધામ કરી હતી.
કમનસીબે ભારે દોડધામના કારણે દીકરીના લગ્નના શુભ પ્રસંગે પિતા જસવંતસિંહ માંગરોલાની તબિયત વધારે બગડી હતી. જો કે નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે દીકરીના લગ્નનો પ્રસંગ માણ્યો હતો પણ દીકરી ડો. શિવાનીના લગ્ન પત્યા પછી તેને વિદાય કરાય તે પહેલાં તેમનો સ્વર્ગવાસ થઈ ગયો હતો.
જશવંતસિંહ માંગરોલાએ મૃત્યુ પહેલાં ઈચ્છા વ્યક્ત કરી હતી કે, શિવાનીને સાસરે વળાવ્યા પછી જ મારા અંતિમ સંસ્કાર કરજો. પિતાની અંતિમઇચ્છા મુજબ શિવાનીને ભારે હૈયે પરિવારજનોએ વિદાય આપી હતી. જશવંતસિંહ માંગરોલાની દીકરી સાસરે ગઈ અને તરત જ પિતાને અગ્નિદાહ આપવા પરત ફરી હતી. એ પછી ત્રણે દીકરીઓએ સાથે મળીને પિતાની અંતિમવિધિમાં હાજર રહી મુખાગ્નિ આપ્યો હતો.
પુત્રીના લગ્નના દિવસે જ બિમાર પિતાનું મૃત્યુ થતાં પિતાની અંતિમ ઇચ્છા મુજબ પુત્રીના લગ્ન કરી તેને વળાવ્યા પછી અંતિમ સંસ્કાર કરાયા એ ઘટનાએ સૌને રડાવી દીધા હતા.
આ પણ વાંચો
બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત