સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામમાં ડબલ મર્ડર કેસમાં પાંચથી વધુ આરોપીની અટકાયત થયાની સૂત્રોએ જાણકારી આપી હતી.  હત્યાના બનાવને કલાકો વીતવા છતાં પરિવારજનોએ હજુ સુધી મૃતદેહો સ્વીકાર્યા નથી. આ મામલે તપાસ માટે સીટની રચના પણ કરવામા આવી હતી. રેન્જ આઇજી અશોક યાદવે કેસની તપાસ માટે SITની રચના કરી હતી. જામનગર SPને SITના વડા બનાવાયા હતા. હત્યા અગાઉ પોલીસ અરજી અને તે અંગે થયેલી ના થયેલી પોલીસની કાર્યવાહીની પણ સીટ દ્ધારા તપાસ કરવામાં આવશે. તાત્કાલિક તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સબમિટ કરવા રેન્જ આઇજીએ સૂચના આપી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા બહારનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લાની પોલીસ પણ સુરેન્દ્રનગરમાં બોલાવવામાં આવી હતી. સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં હથિયારધારી પોલીસ પણ ગોઠવામાં આવી છે.




નોંધનીય છે કે ગઇકાલે સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે ડબલ મર્ડર થયાની ઘટના બની હતી.  સમઢિયાળા ગામમાં રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સગા બે ભાઈઓની હત્યા કરાઇ હતી. હત્યાને પગલે ચક્કાજામ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર યુવાનો અને મહિલાઓ અને આગેવાનોએ ચક્કાજામ કર્યો છે. રસ્તા પર બેસી ચક્કાજામ કરી ડબલ હત્યાના આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી હતી.




ગુજરાત કોગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર પણ હાજર રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે પરિવારજનો સાથે સાંત્વના આપી અને યોગ્ય ન્યાય મળે તે માટે રાજકોટ રેન્જ આઇજી સાથે મુલાકાત કરી હતી. આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર સામે નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ ઘટના પહેલા પીડિત પરિવારે ગૃહમંત્રી હર્ષસંઘવીને અરજી કરીને લેખિતમાં પોલીસનું રક્ષણ માગ્યું હતું પરંતુ રક્ષણ  ન મળતા આખરે બંને સગા ભાઇઓ આ દુશ્મનીનો ભોગ બન્યા. તેમણે જણાવ્યું કે, સામાજિક સમરસતા ડોહળાઇ રહી છે. જો ગુજરાત પોલીસને આદેશ અપાયા હોત અને  થોડી સતર્કતા દાખવવામાં આવી હોત તો આ ઘટના ન બની હોત અને બંને ભાઇની જિંદગી બચી જાત.


આ ઘટનાને લઇને  હોસ્પિટલ પહોંચેલા ભાજપના ધારાસભ્યનો પરિવારજનો અને સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા તેમજ પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા પોલીસ વડા સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. પીડિત પરિજનોએ રોષ પ્રગટ કર્યો હતો.     હત્યાના તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી મૃતકના પરિવારજનોએ ન્યાય આપવાની રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે ખાતરી આપી હતી અને અલગ અલગ ટીમો બનાવી ખૂબ જ ઝડપથી તમામ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી હોવાની વાત કરી હતી.