ગીર સોમનાથના સુત્રાપાડા અને કોડીનારમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ કરી છે. સુત્રાપાડામાં જળપ્રલય જેવી સ્થિતિ જોવા મળી છે. 24 કલાકમાં સુત્રાપાડામાં 13 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુત્રાપાડાની બજારોમાં નદીની જેમ પાણી વહી રહ્યા હતા. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું છે. મૂશળધાર વરસાદને લઈ સુત્રાપાડામાં જનજીવન અસ્ત-વ્યસ્ત બની ગયું છે.


માત્ર સૂત્રાપાડા શહેર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તાર પણ જળમગ્ન થયા છે. સુત્રાપાડા તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. તો વાવડી ગામ પણ જળબંબાકાર થયું છે. કમરસમા પાણી ભરાતા ગ્રામજનો ઘરમાં પૂરાવા મજબૂર બન્યા છે. મેઘતાંડવને લઈ વાવડી ગામમાં NDRFની ટીમ પહોંચી છે અને અહીં સ્થિતિ પર નજર રાખી રહી છે. સાથે જ પાણી ભરાય છે તેવા ગામ પર NDRFની ટીમ નજર રાખી રહી છે.
ભારે વરસાદની આગાહીને લઈ NDRFની એક ટીમ વેરાવળ પણ પહોંચી છે. તો જળપ્રલયને લઈ ખેતીના પાકને પણ નુકસાન થયું છે. ખેડૂતો ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ એવો તે વરસાદ વરસ્યો કે ખેતરો તળાવમાં ફેરવાયા અને વિનાશ વેર્યો છે. સૂત્રાપાડાનું સિંગસર ગામ પણ બેટમાં ફેરવાયું છે. તો વેરાવળ પાસેના ડારી ગામની શેરીઓમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.


ભારે વરસાદથી કોડીનારના માલાશ્રમ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ગામના રસ્તા જાણે નદી બની ગયા છે. ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ગામ જાણે પાણીમાં ગરકાવ થયું છે. ભારે વરસાદને લઈ કોડીનાર-સોમનાથ હાઈવે બંધ થયો છે. નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સોમત નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો છે. પુલનું કામ અધુરું હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.


વરસાદ આગાહી


સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યભરમાં રહેશે વરસાદી માહોલ. તેમાં પણ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મન મૂકીને વરસશે મેઘરાજા.