Swaminarayan Swami controversy: લારામબાપા વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામી વિવાદમાં આવ્યા છે.  હળવદના રણજીતગઢ પાસે આવેલા હરિકૃષ્ણ ધામના ભક્તિ હરી સ્વામીનો એક વિવાદાસ્પદ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ચારણ બાઈ વિશે અપમાનજનક ટિપ્પણી કરતા જોવા મળે છે. આ ઘટનાથી ચારણ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

વાયરલ થયેલા વિડીયોમાં સ્વામી ભક્તિ હરી કહી રહ્યા છે કે તેઓ એક બીમાર ભક્ત, જીવરાજભાઈના ઘરે તેમના દુઃખ દૂર કરવા માટે ગયા હતા.  તે સમયે, તેમણે કંઠી સાથે ચારણ બાઈ દ્વારા મંત્રેલો દોરો પહેર્યો હતો. સ્વામીના કહેવા મુજબ, આ જોઈને સ્વામિનારાયણ ભગવાન નારાજ થયા અને ભક્ત જીવરાજને દર્શન આપ્યા વિના પાછા ફર્યા.

શું છે સમગ્ર ઘટના?

આ ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણજીતગઢ પાસે આવેલા હરિકૃષ્ણ ધામ ખાતે બની હતી. સ્વામી ભક્તિ હરી એક કથા દરમિયાન આ વિવાદાસ્પદ નિવેદન આપતા સંભળાય છે.  તેઓ કથામાં એક કિસ્સો વર્ણવે છે જેમાં જીવરાજભાઈ નામના એક ભક્ત ગંભીર રીતે બીમાર હતા.

સ્વામીના કહેવા પ્રમાણે, જીવરાજભાઈએ સંતોને પ્રાર્થના કરી કે સ્વામિનારાયણ ભગવાન તેમને ધામમાં બોલાવી લે. જો કે, સંતોએ તેમને સમજાવ્યું કે તેમની ઉંમર હજી ધામમાં જવાની નથી, અને હજી તેમણે ઘણું જીવન જીવવાનું છે, ખાસ કરીને તેમના બાળકોના લગ્ન જોવાના છે.  સંતોએ જીવરાજભાઈને ખાતરી આપી કે ભગવાન તેમને ધામમાં નહીં લઈ જાય, પરંતુ તેમને સાજા કરશે.

આગળ કથામાં સ્વામી જણાવે છે કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન ભક્ત જીવરાજને દર્શન આપવા માટે જાય છે, ત્યારે તેઓ જીવરાજભાઈના ગળામાં કંઠી સાથે ચારણ બાઈનો મંત્રેલો દોરો જુએ છે. આ જોઈને ભગવાન ભક્તને દર્શન આપ્યા વિના પાછા ફરે છે અને પરિવારના અન્ય સભ્યોને દર્શન આપે છે.  ત્યારબાદ ભગવાન પરિવારના સભ્યોને કહે છે કે તેઓ તો ભક્તને દર્શન આપવા આવ્યા હતા, પરંતુ તેણે ગળામાં ચારણ બાઈનો દોરો પહેર્યો હોવાથી તેઓ પાછા ફર્યા.

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના આ નિવેદનથી ચારણ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર આ નિવેદનની ટીકા કરી રહ્યા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ પર સનાતન ધર્મની લાગણી દુભાવવાનો આરોપ લગાવી રહ્યા છે.  ઘણા લોકો આ પ્રકારના નિવેદનોને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓની આદત ગણાવી રહ્યા છે, જેઓ વારંવાર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને ચર્ચામાં રહે છે.

આ પણ વાંચો.....

લાખો ઘર ખરીદનારાઓને મળશે ફાયદો: ગુજરાત સરકારે ટ્રાન્સફર ફી પર લીધો મોટો નિર્ણય!