ગાંધીનગરઃ રાજ્યમાં પ્રભાવી રીતે મહેસૂલી કામગીરી થઇ શકે અને લોકોને પડતી હાલાકી ન પડે તે માટે રાજ્ય સરકારે તમામ મહેસૂલી તલાટીઓને સોમવારથી બુધવાર દરમિયાન પોતાના હેડક્વાર્ટરમાં ફરજિયાત હાજર રહેવા તાકીદ કરી છે. સાથે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીને પારિતોષિક આપવાની જાહેરાત પણ રાજ્ય સરકારે કરી છે. મામલતદાર દ્વારા દર ગુરૂવારે તલાટીની કામગીરીની સમીક્ષા કરાશે.
સેજા મહેસૂલ વિભાગનું સચિવાલય બને તેવા અભિગમથી સરકારે ગ્રામ્યકક્ષાએ 3954 અને શહેરીકક્ષાએ 543 એમ કુલ 4496 સેજા નક્કી કર્યા છે. તલાટીએ ઇ-ધરામાં પડેલી ફેરફાર નોંધોની કલમ-135-ડીની નોટીસ સમયસર બજાવવાની અને લોકોના પ્રશ્નો પરત્વે સંવેદનશીલ વર્તન કરવાનું રહેશે. પ્રાંત અધિકારી, મામલતદાર, પંચાયત ખાતાના અધિકારીઓને કારકીર્દિમાં પ્રોત્સાહન મળે તે હેતુથી માસિક અને વાર્ષિક એવોર્ડ માટે કલેક્ટર દ્વારા મૂલ્યાંકન થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.