Tapi : તાપી જિલ્લામાં પડેલા ભારે વરસાદ (Rain in Tapi) ને કારણે જાન-માલને ઘણું નુકસાન થયું છે. આ નુકસાન સામે પ્રશાસન દ્વારા રૂ.14,62,819નું ત્વરીત ચુકવણું કરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં બે માનવ મૃત્યુ, 4 પશુ મૃત્યુ તેમજ ઘરમાં થયેલ નુકસાનનું સર્વે અનુસાર 339 કુટુંબોને ચુકવણું કરવામાં આવ્યું છે. નુકસાની અંગે સર્વેની કામગીરી હજી પણ શરૂ છે. આવનાર દિવસોમાં વધુ અસરગ્રસ્તોને સહાય ચૂકવાય તેવી સંભાવના છે.
ડૂબી જવાથી બે લોકોના મૃત્યુ
તાપી જિલ્લામાં વરસાદના પાણીમાં તણાઈ જવાથી અને ડૂબી જવાથી બે લોકોના મૃત્યુ થયા છે. નિઝરના હથનુંર ગામે રહેતા 24 વર્ષીય ચંદ્રસિંહ પાડવીનું ડૂબી જતાં મોત થયું છે. લકુરવાડી અને હાથનુંર ગામની વચ્ચેથી પસાર થતી નદીના વહેણમાં તણાતાં તેમનું મોત થયું છે. બીજા બનાવમાં ઉચ્છલના 45 વર્ષીય વિજય રાઠોડનું કરંજ નદીના પટમાં પગ લપસી જતા મોત થયું છે.
ગ્રામીણ વિસ્તારના 87 રસ્તાઓ બંધ
તાપી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ગ્રામીણ વિસ્તાર ના 87 રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા બંધ કરવામાં આવ્યા છે. પંચાયત હસ્તકના વ્યારાના 28, ડોલવણના 25, વાલોડના 12, સોનગઢના 19 અને ઉચ્છલના 2 તેમજ નિઝર તાલુકાના 1 રસ્તા પાણીમાં ગરકાવ થવાથી બંધ કરવામાં આવ્યા છે. રસ્તાઓ બંધ થવાથી વાહનચાલકો ની સમસ્યામાં વધારો થયો છે.
ડોલવણ તાલુકામાં 9 ઈંચ વરસાદ પડ્યો
તાપી જિલ્લામાં 14મી જુલાઇના રોજ સવારના 6 વગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં પડ્યો છે. ડોલવણમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. અને સૌથી ઓછો નિઝરમાં 13 mm વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના વાલોડ તાલુકામાં 113 મમ, વ્યારા તાલુકામાં 54 mm, અને સોનગઢ તાલુકામાં mm , ઉચ્છલ તાલુકામાં 43 mm, કુકરમુંડા તાલુકામાં 19 mm વરસાદ નોધાયો છે.