Porbandar : પોરબંદરમાં ગુરૂવારે પડેલા ભારે વરસાદને કારણે પોરબંદર શહેરના સુદામાચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી હતી. જિલ્લામાં સાર્વત્રિક બે થી પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુદામાચોક વિસ્તારમાં વર્ષોથી વરાસાદી પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે. ભારે વરસાદને કારણે નદીના પાણી ફરી વળતા ઘેડ અને બરડા પંથકના 14 રસ્તા બંધ થયા છે. જુઓ વિડીયો - 



 


સર્કિટ હાઉસ વિસ્તારમાં ગોઠણડૂબ પાણી
પોરબંદર શહેરને ગુરૂવારે મેઘરાજાએ પાણીની તરબોળ કરી દીધું હતું. શહેરના હાર્દ સમા વિલા સર્કિટ હાઉસ વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. જેના કારણે આ રસ્તા પરથી શહેરીજનોને પસાર થવું મુશ્કેલ બન્યું હતું. આ રસ્તા ઉપર શાળા આવેલી છે તેમજ ચોપાટી જવાનો મુખ્ય રસ્તો છે. આ રસ્તા પર વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નહીં હોવાના કારણે સમસ્યા સર્જાઇ હતી.


કર્લી જળાશયમાં પાણીની આવક
પોરબંદર પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના પ્રવેશદ્વારે આવેલા કર્લી જળાશયમાં પાણીની આવક જોવા મળી હતી. પોરબંદરના માર્કેટીંગ યાર્ડથી કડિયા પ્લોટ તરફ જતા રસ્તા ઉપર વર્તુના પાણી ફરી વળવાને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


રાણાવાવ શહેરમાં પાણી ફરી વળ્યા 
રાણાવાવ શહેર અને બરડા ડુંગરમાં પડેલા ભારે વરસાદને કારણે રાણાવાવ શહેરમાં પાણી ફરી વળ્યા હતા. રાણાવાવ થી આદિત્યાણા તરફ જતા રસ્તા ઉપર બરડા ડૂંગરના પાણી ફરી વળવાને કારણે વાહન વ્યવહાર પ્રભાવીત થયો હતો. લોકો જીવના જોખમે આ રસ્તો પસાર કરતા નજરે પડયા હતા. આ રસ્તા ઉપર ખાડો પડી જતા અનેક વાહનો ફસાયા હતા.


રાણાવાવ શહેરમાં પાંચ થી સાત ઇંચ વરસાદ પડવા ઉપરાંત બરડા ડુંગરમાં પડેલા અનરાધાર વારસાદને કારણે રાણાવાવ શહેરના ગોપાલપરા, મફતિયાપરા, આશોપાલવ સોસાયટીમાં આવેલા અનેક મકાનોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને ભારે નુકશાન થયું હતું અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.