Gujarat News: તાપીના વાલોડના ગોડધા ગામે કરૂણ કિસ્સો સામે આવ્યો છે. દીકરીના અભ્યાસની ફીની ચિંતામાં પિતાએ વખ ઘોળ્યું હતું. જેના કારણે તેમનું મોત થયું હતું. ગોડધાના વતની 46 વર્ષીય બકુલભાઈ મગનભાઈ પટેલે દીકરીના ભણતરની ફીની ચિંતામાં જંતુનાશક દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું. ગોડધા ગામે સ્મશાનથી નદી તરફ જતા કાચા રસ્તા પાસેથી બકુલભાઈનો મૃતદેહ મળ્યો હતો. વાલોડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાજપના નગર સેવક સામે પત્નીએ કેમ નોંધાવી ફરિયાદ ?
મહેસાણામાં ભાજપના નગર સેવક દ્વારા પત્નીને ટ્રિપલ તલાક આપવાના મામલે નગર સેવક સલીમ વ્હોરા સામેઇ ફરિયાદ નોંધાઈ છે. પત્ની સિદ્દીકાબેન વ્હોરાએ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પર સ્ત્રી સાથેના સંબંધમાં નગર સેવક પતિએ પત્નીએ ટ્રિપલ તલાક આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પતિ,સાસુ,નણંદ અને પતિ સાથે સંબધ રાખનાર મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે. કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૧૧૪ તથા દ.પ્ર.ધા.ક.૩,૪ તથા મુસ્લિમ સ્ત્રીઓના (લગ્નના હકોના રક્ષણ) બાબત અધિનિયમ ૨૦૧૯ ની કલમ-૩, ૪ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.
સિંગતેલના ભાવમાં થઈ રહ્યો છે વધારો, જાણો ડબ્બાનો કેટલો છે ભાવ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ગૃહિણીને ફરી એકવાર મોંઘવારીનો ફટકો લાગ્યો છે. સિંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. અલગ અલગ બ્રાંડના ડબ્બાના ભાવમાં 30 રૂપિયા સુધીનો વધારો થતાં ફરી સિંગતેલના ડબ્બાનો ભાવ 2680 થી 2700 રૂપિયા પહોંચી ગયો છે.
ગુજરાતના જાણીતા ક્રિકેટરનાં બેક ખાતાં સીલ, લોકોને છેતરવાનો કેસ, વર્લ્ડકપમાં રમી ચૂક્યો છે
ટીમ ઈન્ડિયાનો પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની રિઅલ એસ્ટેટ રેગ્યૂલેટરી ઓથોરિટી(રેરા)એ ક્રિકેટર મુનાફ પટેલના બે બેંક ખાતે સીલ કરીને રૂ52 લાખની વસૂલાત કરી છે. ગ્રેટર નોએડામાં એક રેસિડેન્સિયલ સ્કિમ સમય મર્યાદામાં પૂર્ણ નહી કરનાર બિલ્ડર ગૃપ સામે રેરાએ કાર્યવાહી હાથ ધરી છે. મુનાફ પટેલ આ બિલ્ડર ગૃપમાં ડાયરેક્ટર હોવાથી તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
શું છે મામલો
દિલ્હી નજીક નોએડામાં ગ્રેનો વેસ્ટના સેક્ટર 10માં બિલ્ડર ગૃપ 'પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ' દ્વારા 'વન લીફ ટ્રોય' નામથી રહેણાંક સ્કિમ મુકવામા આવી હતી. આ સ્કિમને પુર્ણ થવામાં વિલંબ થતાં તેમા મકાનો બુક કરાવનાર ગ્રાહકોએ રેરામાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ ઉત્તર પ્રદેશ રેરાએ બિલ્ડરોને વધુ ત્રણ મહિનાનો સમય આપ્યો હતો તેમા છતાં પણ સ્કીમ સમયસર પૂર્ણ નહી થતા હવે ગ્રેટર નોએડા જિલ્લા પ્રસાશન દ્વારા રિકવરી સર્ટિફિકેટ જારી કર્યુ છે જે અંતર્ગત પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂ.10 કરોડની વસૂલાત કરવાની છે. દાદરી તાલુકા પ્રસાશન દ્વારા રિકવરી સર્ટિફિકેટના આધારે રિકવરીની કાર્યવાહી શરૃ કરી દીધી છે.
આ બિલ્ડર ગૃપમાં ક્રિકેટર મુનાફ પઠાણ પણ ડાયરેક્ટર છે જેના પગલે મુનાફ પટેલના નોએડા અને ગુજરાતમાં આવેલા બે બેંક ખાતે સીલ કરી દેવામાં આવ્યા છે અને તેમાથી રૂ.52 લાખની વસૂલાત કરવામાં આવી છે. મુનાફ પટેલ સામેની આ કાર્યવાહી ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે મુનાફ પટેલ મુળ ભરૂચ નજીકના ઇખર ગામનો વતની છે અને 2011 વર્લ્ડકપ વિજેતા ટીમનો સભ્ય રહ્યો છે.
મુનાફ પટેલની કરિયર
મુનાફ પટેલ લાંબા સમયથી ટેસ્ટ, વન ડે અને ટી-20 ફોર્મેટમાંથી બહાર હતો. મુનાફે 13 ટેસ્ટ મેચમાં 35, 70 વન ડેમાં 86 અને 3 ટી-20 મેચમાં 4 વિકેટ ઝડપી છે. IPLની 63 મેચમાં 74 વિકેટ લીધી હતી.