Teachers Day: 5 સપ્ટેમ્બરના રોજ દેશના 50 શિક્ષકોને નેશનલ ટીચર્સ એવોર્ડ આપવામાં આવશે. દેશના 50 શિક્ષકોમાં ગુજરાતના બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં એક સાવરકુંડલા તાલુકાના બાઢડાપરા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદ્રેશકુમાર બોરીસાગર અને આણંદના વડદલા ગામની હાઇસ્કૂલમાં 16 વર્ષથી આચાર્ય તરીકે સેવા આપતા શિક્ષક વિનય શશિકાન્ત પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 માટે પસંદગી થઇ છે.


અમેરેલીના નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક ચંદ્રેશકુમાર બોરીસાગરે બાઇક પર હરતી ફરતી શાળા બનાવી હતી. તેમણે કહ્યું હતું કે “હું શિક્ષણમાં ઇનોવેટિવ કામ કરવા માંગતો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ મને એ કામ માટે પ્રેરણા અને ઊર્જા આપી હતી. “પ્રવેશોત્સવ એ ગુજરાત સરકારનો સફળ કાર્યક્રમ છે, બાળકના જીવનનો તે ઉત્તમ ઉત્સવ છે”

શ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે પ્રયત્નશીલ ચંદ્રેશકુમારે પ્રયોગોની હકારાત્મક અસર બાળકોના ઘડતરમાં જોવા મળી રહી છે અને શિક્ષણ ક્ષેત્રમાં તેમના સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે તેમને નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 આપવામાં આવશે.સંગીતની સાધના કરતા ચંદ્રેશકુમારે શિક્ષણ કાર્ય માટે કરેલા તેમના પ્રયોગો વિશે જણાવતા કહ્યું હતું કે “હું સંગીતમાં રસ ધરાવું છું અને સંગીતના માધ્યમથી શિક્ષણકાર્યને સરળ બનાવી દઉં છું. મેં બાઇક પર હરતી ફરતી શાળા બનાવીને ગીતોના માધ્યમથી શિક્ષણકાર્ય માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમાં સ્થાનિક લોકગીતોનો ઉપયોગ શિક્ષણના ગીતો તરીકે કર્યો હતો. વર્ગખંડમાં પણ સંગીતના ઉપયોગથી બાળકોને સમજાવવામાં ઘણી સફળતા મળી છે. ગાયન, વાદન અને અભિનયથી હું શિક્ષણ સરળ બનાવું છું કારણ કે સંગીત એ ગહન વિષયને સહજ બનાવી દે છે.”

રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મહત્વ અંગે જણાવતા ચંદ્રેશકુમારે જણાવ્યું કે, “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020થી સોનાનો સૂરજ ઉગ્યો છે. આ નીતિમાં ચેપ્ટર 4.7 અંતર્ગત કલાના માધ્યમથી અધ્યયનને આનંદપ્રદ બનાવવાની વાત છે. ચેપ્ટર 4.8માં રમતગમતના માધ્યમથી શિક્ષણ અને બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની વાત કરવામાં આવી છે. આ અભિગમથી હું જે ઇનોવેટિવ કાર્ય કરતો હતો તેને આગળ લઇ જવા માટે મને નવી ઊર્જા અને પ્રેરણા મળી છે. ભારતના સાંસ્કૃતિક મૂલ્યોને સાથે લઇને બાળકોના વર્તમાન અને ભવિષ્યને નિર્ધાર કરવાની દિશામાં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ”

આણંદના શિક્ષક વિનયભાઈ પટેલની પણ નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી થઇ છે. તેમણે હાઇસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ વિકસિત કર્યો છે. શાળાના કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમણે ગરીબ દીકરીઓ ઘર આંગણે ભણી શકે એટલે 11-12 ધોરણ શરૂ કરાવ્યા હતા. દિવ્યાંગ બાળકીએ ખેલ મહાકુંભમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેમણે કહ્યું હતું કે “મેં ગ્રામીણ વિસ્તારની શાળા એટલા માટે પસંદ કરી કારણ કે મને અહીં છેવાડાના બાળકોની સેવા કરવાની તક મળે. આચાર્ય તરીકે મને કામ કરવાની વધુ સ્વતંત્રતા મળશે તેથી મે આ નોકરીનો સ્વીકાર કર્યો હતો. આજે અહીં હાઈસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ છે, ડિજીટલ લાઇબ્રેરી અને સ્માર્ટ ક્લાસરૂમ છે અને હાઇસ્કૂલમાં થતા કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી.

તેમની શાળાની સુવિધાઓ વિશે જણાવતા વિનયભાઇએ કહ્યું, “અમારી હાઇસ્કૂલમાં અત્યારે ખૂબ જ સુંદર લાઇબ્રેરી છે જે સારામાં સારા પુસ્તકો અને ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. ઇન્ટરનેટ કનેક્શન પણ છે જેથી બાળકો પૂરતો અભ્યાસ કરી શકે. અહીં બાળકોની સાથે ગામના વાંચનપ્રેમી લોકો પણ પુસ્તકો વાંચવા આવે છે. અમે એવી વ્યવસ્થા કરી છે કે બાળકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર તો લાઇબ્રેરીમાં જવાનું જ. ”

પર્યાવરણની કામગીરી સાથે 1996થી સંકળાયેલા વિનયભાઇ જણાવે છે,“જે વૃક્ષો ઉગાડ્યા છે, ત્યાં તેની માહિતીના ચાર્ટ પણ રાખ્યા છે, જેથી બાળકોને તેના વિશે માહિતી મળે. મારો જન્મદિવસ હોય ત્યારે તમામ બાળકોને ઔષધીય ગુણોવાળા અલગ અલગ વૃક્ષ ભેટમાં આપું છું. આ રીતે બાળકોનો પ્રકૃતિ સાથે સંવાદ ગહન બને છે. પર્યાવરણનું જતન ખૂબ જરૂરી છે અને તેથી અમારી શાળામાં કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી.”

ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને વિવિધ કાર્યક્રમો થકી બાળકોને શાળા સુધી લાવવાના પ્રયાસો કર્યા છે. સરકારની કામગીરી અંગે વિનયભાઇ કહે છે કે, “સરકારે સ્માર્ટ ક્લાસરૂમની જે ભેટ આપી છે, તે ગામડાના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. તેનાથી બાળકોને ખૂબ જ સારી રીતે શિક્ષણ આપી શકાય છે. લેટેસ્ટ ટેક્નોલોજી સાથે આપણા બાળકો ભણે તે ખૂબ જ જરૂરી છે. સરકારે શરૂ કરેલો શાળા પ્રવેશોત્સવ પણ બાળકોના શિક્ષણ માટે ઘણો સફળ સાબિત થયો છે.”

વડદલા ગામની પરિસ્થિતિ અંગે જણાવતા વિનયભાઇએ જણાવ્યું કે, “અહીં આવતા મોટાભાગના બાળકો ગરીબ પરિવારમાંથી આવે છે. શરૂઆતમાં અહીં 8થી 10 ધોરણ સુધી અભ્યાસની સુવિધા હતી. દસમા ધોરણ બાદ આગળના અભ્યાસ માટે દીકરીઓને દૂર મોકલવામાં પરિવારજનોને અનુકૂળતા નહોતી રહેતી. આ પરિસ્થિતિ જોઇને અમે સરકાર સમક્ષ રજૂઆત કરી અને અમને અહીં ખાસ મંજૂરી આપ્યા બાદ વર્ષ 2013થી 11 અને 12 ધોરણ શરૂ કરવામાં આવ્યા હતા. હવે ગામની દીકરીઓ હાઇસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને કૉલેજ સુધી પહોંચી છે. એક દિવ્યાંગ બાળકીને અહીં રમતગમતમાં પૂરતી તાલીમ મળવાથી ખેલ મહાકુંભમાં આણંદ જિલ્લામાં તે પ્રથમ ક્રમાંક લાવી છે.