ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના વધતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે ત્રણ અઠવાડિયાં માટે એટલે કે 15 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. સમગ્ર દેશમાં શાળાઓ તો પહેલેથી બંધ છે અને હવે 15 એપ્રિલ સુધી નહીં ખૂલે એ સ્પષ્ટ છે. આ સંજોગોમાં રાજ્ય સરકારે ઘોરણ 1થી ધોરણ 9ના તથા ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપલા વર્ગમાં ચડાવી દેવાનો નિર્ણય લીધો છે.


રાજ્ય સરકારે સ્કૂલોના શિક્ષકોના હિતમાં પણ એક મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાવાયરસના ચેપને અનુલક્ષીને શિક્ષકો તથા અન્ય સ્ટાફને પણ સ્કૂલે જવામાંથી મુક્તિ આપવામાં આવી છે. અગાઉ શાળાઓ બંધ કરાઈ ત્યારે પણ શિક્ષકોને સ્કૂલે જવાનો આદેશ અપાયો હતો. હવે તેમની સલામતીને ધ્યાનમાં રાખીને તેમને પણ શાળાએ જવામાંથી મુક્તિ આપી દેવાઈ છે.

આ ઉપરાતં ચાલુ વર્ષે અગાઉનાં વરસોની જેમ જ શૈક્ષણિક સત્ર પણ રાબેતા મજુબ ચાલુ થશે. સીબીએસઈની પેટર્ન પ્રમાણે માર્ચ મહિનાથી નવું સત્ર શરૂ કરવાનું શક્ય ના હોવાથી આ વર્ષે જુન મહિનાથી જ શૈક્ષણિક સત્ર ચાલુ થશે.