પ્રાપ્ત વિગત પ્રમાણે પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઇ હતી. જો કે આ શિબિરમાં કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરનારા ઠાકોર સમાજના લોકોનું કહેવું હતું કે બનાસકાંઠા જિલ્લા બહારના વ્યક્તિ આ શિબિરમાં જોડાઇ શકે નહી. તેઓનો આડકતરી રીતે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ સ્થાનિક ઠાકોર સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો.
આ મામલે ઠાકોર સેના તેમજ અન્ય ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે બોલાચાલી થતાં હોબાળો થયો હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ લોકસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠામાં ઠાકોર સમાજને ટિકિટ મળે તેવી માગણી કરવામાં આવી છે. પાલનપુરમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો એકઠા થયા હતા. જિલ્લામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો હોવાથી આગામી લોકસભાની ચૂંટણી માટે ઠાકોર સમાજને ટિકિટ મળે તેવી માગ કરવામાં આવી છે.
પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં સ્થાનિક નેતા અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી ઠાકોર સહિત સ્થાનિક આગેવાનોએ ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર સામે વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈ ઠાકોર સમાજ અને ઠાકોર સેના વચ્ચે હોબાળો મચ્યો હતો. શિબિરમાં ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા.