ગાંધીનગરઃ કેનેડા-યુએસ બોર્ડર ક્રોસ કરતી વેળાએ ભારે હિમ વર્ષાનાં કારણે માઈનસ 35 ડિગ્રી તાપમાનમાં ચાર વ્યક્તિઓના મૃત્યુની ઘટનામાં મૃતકો ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામનાં પટેલ પરિવારનાં જ હોવાનીવાતો ચાલી રહી છે. આ ચારેય ડીંગુચાના હોવાની પ્રબળ સંભાવનાઓ છે પણ સત્તાવાર રીતે આ વાતને સમર્થન નથી અપાયું.
આ ચાર મૃતકોના કેનેડા ખાતે આજે એટલે કે મંગળવારે ડીએનએ ટેસ્ટ થશે. ત્યારબાદ પરિવારજનોના ડીએનએ ટેસ્ટ કરીને બંનેના સેમ્પલ મેચ કરવામાં આવશે. બંને સેમ્પલ મેચ થશે તો આ પરિવાર ડીંગુચાના હોવાનું સાબિત થશે.
બીજી તરફ સમગ્ર મામલાની રાજ્ય પોલીસ વડાએ સીઆઇડી ક્રાઇમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી છે. સીઆઈડી ક્રાઇમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને અત્યારે એ વાતની તપાસ કરી રહ્યું છે કે, મૃતકો કાયદેસરના વિઝા લઇને ગયા હતા કે નહીં.
કેનેડા-યુએસ બોર્ડર પર ચાર ભારતીયનાં બરફના તોફાનમાં માઇન્સ 35 ડીગ્રી ઠંડીને કારણે થીજી જતાંમોત થયાં એ ઘટનામાં ચારેય ગુજરાતી હોવાનું મનાય છે. મૃતકોમાં પતિ-પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો પણ હોવાનું જાણવા મળ્યું છે.
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકા સાથેની કેનેડાની સરહદ પર ચાર ભારતીયોનાં મોત અંગેનું ટ્વીટ કર્યું હતું. આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યનાં ઠંડીને કારણે મોત થયાં છે.
આ ઘટનાક્રમ વચ્ચે ક્લોલના ડીંગુચા ગામનાના વતની એવા 4 સભ્યોનો પટેલ પરિવાર કેનેડા વિઝીટર વિઝા પર ગયા પછી છેલ્લા બે દિવસથી લાપતા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પરિવારે વિદેશ મંત્રાલયને મેલ દ્વારા જાણકારી પણ આપી છે. ડીંગુચાના જગદીશ બળદેવભાઈ પટેલ, વૈશાલી જગદીશ પટેલ, ગોપી જગદીશ પટેલ, ધાર્મિક જગદીશ પટેલ એમ ચાર વ્યક્તિનો આ પરિવાર ગુમ હોવાથી કેનેડા-યુએસ બોર્ડર પર માર્યા ગયેલા ચારેય ભારતીય આ પરિવારનાં હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. કેનેડામાં જે 4 ભારતીયનું બરફ ના તોફાનમાં ફસાવાથી મૃત્યુ થયું છે તે ડીંગુચાના પટેલ પરિવારના છે તેની હજુ સુધી પુષ્ટિ નથી થઈ પરંતુ તે લાપતા હોવાની ફરિયાદ નોંધાઈ છે.