બિન સચિવાલય કૌભાંડમાં પાલીતાણામાંથી જ અગાઉ ઝડપાયેલા રામ ગઢવીનો બનેવી પ્રવિણદાન ગઢવી છેલ્લાં છ મહિનાથી ફરાર હતો. પાલીતાણા પોલીસને બાતમી મળી હતી કે, આરોપી પ્રવિણદાન ગઢવી પાલિતાણાના અખાડા વિસ્તારમાં છૂપાયો છે ને તેને આધારે દરોડો પાડીને પોલીસે ઝડપી પાડ્યો છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2018ના નવેમ્બરમાં લેવાયેલી બિન સચિવાલય ક્લાર્ક 3ની ભરતી પરીક્ષાને રાજ્ય સરકારે રદ કરી હતી. બિન સચિવાલય પરીક્ષા મુદ્દે ભારે વિવાદ થયા બાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ મુદ્દે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તપાસ ચાલુ કરવામાં આવી હતી.
પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે, દિપક જોષી નામની વ્યક્તિએ પેપર લીક કર્યું હતું. દિપક જોષીને પ્રવિણદાન ગઢવી નામની વ્યક્તિએ પેપર મોકલ્યું હતું અને તેણે દાણીલીમડા ખાતે આવેલી એમ.એસ. પબ્લીક સ્કૂલના સંચાલક ફારુક અને સ્કૂલના આચાર્ય વિજેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક કર્યો હતો. પરીક્ષાના દિવસે સવારે રૂબરૂ જઈને પોતાના મોબાઈલ ફોનમાં પેપરના ફોટા પાડ્યા હતા. ત્યાર બાદ પ્રવિણ દાન ગઢવીએ દિપક જોષીને પાલીતાણા ખાતે રહેલા પોતાના સાળા રામભાઈ ગઢવીનો સંપર્ક કરવાનું કહ્યું હતું. પાલીતાણામાં દિપક જોષી અને રામભાઈ મળ્યા અને બન્નેએ મોબાઈલમાં પેપરના ફોટા પાડ્યા હતા. વિજેન્દ્રસિંહ વાઘેલા પોતે પરીક્ષા આપવાનો હોવાથી રજા પર હોવા છતાં એમએસ સ્કૂલ પર આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફારુકે વિજેન્દ્રસિંહની ઓળખાણ શિક્ષક ફકરૂદ્દીનઘડીયારી સાથે કરાવી હતી. ફકરૂદ્દીન પરીક્ષા સમયે સ્કૂલમાં સુપરવાઈઝર તરીકે નિમાયો હતો. ટ્રસ્ટની ઓફીસમાં સીલબંધ પેપરના બંડલ પૈકી એક બંડલ પ્રવિણદાન ગઢવીને આપ્યું હતું. પ્રવિણદાને ત્યાર બાદ પેપર વિજેન્દ્રસિંહ આપ્યું હતું અને વિજેન્દ્રસિંહ પેપર લઈને પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો. પેપર લઈને ત્યાર બાદ પ્રવિણદાન દુજરાત યુનિવર્સિટી પાસે ગયો હતો અને લખવીંદરસિંગ સીધુંને પેપર આપ્યું હતું.