Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપ લાગતા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એન્ટી રેગિંગ કમિટીએ 12 ભોગ બનનાર અને 15 રેગિંગ કરનાર વિદ્યાર્થીની પૂછપરછ કરી હતી. જે બાદ 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. સાથે જ પોલીસ ફરિયાદની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
રેગિંગના આરોપસર 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એન્ટી રેગિંગ કમિટીએ રેગિંગ કરનાર 15 વિદ્યાર્થીની પૂછપરછ કરી હતી. પોલીસ ફરિયાદની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રેગિંગની ઘટનામાં અનિલ નામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.
જો કે રેગિંગની ઘટનાને લઈ રવિવાર મોડી રાત્રે ABVPના કાર્યકરો કેમ્પસમાં પહોચ્યા હતા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સમયે પોલીસ અને ABVPના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના પણ દ્વશ્યો સર્જાયા હતા. જો કે બાદમાં પોલીસે આઠથી વધુ ABVPના કાર્યકરોને ડિટેઈન કર્યા હતા. મૂળ સુરેન્દ્રનગરના જેસડા ગામનો અનિલ મેથાણીયા નામનો વિદ્યાર્થી MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેનું મોત થતાં પરિવારજનોએ લગાવ્યો આરોપ હતો કે સીનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કરતાં અનિલનું મોત થયું હતું.
માહિતી પ્રમાણે, પાટણ જિલ્લાની ધારપુર મેડિકલ કૉલેજમાં પહેલા વર્ષમાં ભણતા વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નીપજ્યુ હતું. આ મૃતક 18 વર્ષીય વિદ્યાર્થી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો રહેવાસી હતો. આ શંકાસ્પદ મોતમાં પરિવારે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, અમારા દીકરા સાથે કૉલેજમાં રેગિંગ થયું હતુ. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ધારપુર મેડિકલ કૉલેજના ડીન હાર્દિક શાહે આ અંગે જણાવ્યુ છે કે, ગઈકાલે રાતે પહેલા વર્ષનો વિદ્યાર્થી કૉલેજમાં ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની આ અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે, સીનિયર વિદ્યાર્થીઓએ તેમને ત્રણેક કલાક ઊભા રાખીને પોતાનું ઇન્ટ્રૉડ્ક્શન આપવાનું કહ્યુ હતુ. જે દરમિયાન આ ઘટના બની છે. આ અંગે બનાવેલી કમિટિ પ્રમાણે અને પોલીસને પણ આ અંગેની વાત કરવામાં આવી છે. તેમના વાલીને પણ માહિતી આપીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ લઈ જવામાં આવ્યો છે. જો રેગિંગની ઘટના સાચી હશે તો તેમાં શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે. વિદ્યાર્થીના મોતના મામલે પિતરાઈ ભાઈએ જણાવ્યુ છે કે, અમને કૉલેજમાંથી પહેલા ફોન આવ્યો કે તમારો દીકરો ઢળી પડ્યો છે અને તેને દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ અમે અહીં આવ્યા ત્યારે ખબર પડી કે, તેનું મોત નીપજ્યુ છે. એક મહિનાથી જ તે અહીં આવ્યો હતો. આ પહેલા તેણે ક્યારેય રેગિંગ કે કોઈ મુશ્કેલીની વાત કરી ન હતી.