સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી ખનીજ ચોરીનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગરના સાયલાના સુદામડામાં કાળા પથ્થરોના કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો. પોલીસ વિભાગ અને ભૂસ્તર ખાતાએ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. શનિવારે સુદામડામાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં કુલ 14 સર્વે નંબરમાં ખોદકામ માપણી કરતા 5.44. 540. 95 મેટ્રિક ટન કાળા પથ્થરનું ગેરકાયદે ખોદકામ થયાનો ખુલાસો થયો હતો.  જેને લઈ અત્યાર સુધીનો સૌથી વધુ 270 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.




આ મામલે ચાર વ્યક્તિઓ સામે ગેરકાયદે ખનન અને એક્સપ્લોઝિવ બ્લાસ્ટિંગ મુદ્દે બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી. સાથે પોલીસે 35 પેટી જીલેટિક સ્ટિક, બે બંડલ ડીટોનેટર, 17 ડમ્પર, 7 હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.


ખનન અધિકારીએ કહ્યું હતું કે ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લાના છે.


નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાનપુર ગામે ભૂસ્તરશાસ્ત્રી વિભાગની કચેરીની તપાસ ટીમ દ્વારા દરોડા પાડી ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. આ કેસમાં એક એકસકેવેટર મશીન, એક લોડર મશીન, બે ડમ્પર અને એક વોશ પ્લનટને જપ્ત કરવામાં આવ્યું હતું. સરપંચ પોતે ખનીજ ચોરી કરાવી રહ્યા હોવાનો ખુલાસો થયો હતો. જિલ્લા કલેકટરની સૂચના મુજબ ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ફરીયાદ અન્વયે દરોડા કરી કુલ 50 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. લાલજીભાઈ ભીખાભાઈ મુંધવા અને સુરેશભાઈ કમાભાઈ મોરી દ્વારા ખનીજ ચોરી થતી હોવાનો ખુલાસો થયો હતો.                         


તાજેતરમાં જ ગોધરામાં પણ ખનીજ ચોરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા મોડી રાત્રે ખનીજ ચોરો સામે કાર્યવાહી કરી શહેરાના અણીયાદ ચોકડી પાસેથી ગ્રેનાઈટના પથ્થરો ભરેલા ઓવરલોડ 8 જેટલા ટ્રેલરો અને ગોઠડા પાસેથી કપચી ભરેલા ડમ્પરો સાથે 4 કરોડ રૂપિયાના મુદ્દામાલને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમા 11 જેટલા ખનીજ ચોરીના કેસ કરવામાં આવ્યા હતા. શહેરા તાલુકામાંથી જ 7 જેટલા ઓવરલોડ ગ્રેનાઈટ ભરેલા ટ્રેલરો પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.