ગાંધીનગર: કોરોના વાયરસના પ્રકોપને પગલે સમગ્ર રાજ્યમાં લગાવવામાં આવેલ નિયંત્રણને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર 30 નવેમ્બર બાદ કોરોના નિયંત્રણમાં મોટી છૂટછાટ આપી શકે છે. રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કરવાની કવાયત હાથ ધરી છે.


નિયંત્રણમાંથી જે મોટી છૂટછાટ મળવાની છે તેમાં રાત્રી કર્ફ્યુ, જાહેર કાર્યક્રમોમાં ભેગા થતા માણસોની સંખ્યામાં મોટી છૂટ આપવામાં આવી શકે છે. આ પહેલા મુખ્યમંત્રી કક્ષાએ નિયંત્રણો હળવા કરવા માટે સમિક્ષા કરવામાં આવી હતી. આ મામલે હવે છૂટછાટને લઈને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ નવી છૂટછાટ આગામી 1લી ડિસેમ્બરથી લાગુ થઈ શકે છે.


ગુજરાતમાં કોરોના કેસ


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 25 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,856 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી ગઈકાલે એક મોત થયું છે. ગઈકાલે 5,10,849 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  અમદાવાદ કોર્પોરેશનમાં 17, વડોદરા કોર્પોરેશનમાં 6, નવસારી 3, જામનગર કોર્પોરેશન 2,  રાજકોટ  કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, જામનગર 1,  સુરત 1 અને વલસાડમાં 1 કોરોનાના  કેસ નોંધાયા છે.  


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 319  કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 313 નાગરિકો સ્ટેબલ છે. 8,16,856  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 10 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1994 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 14579 નાગરિકોને રસીનો પ્રથમ અને 122186 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 43532 નાગરિકોને રસીનો પ્રથમ અને 328548 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 5,10,849 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,79,84,129 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર,ગાંધીનગર કોર્પોરેશન,  જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા,  પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.