બનાસકાંઠા:  બનાસકાંઠાના અમીરગઢના ખારા ગામેથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ ખેતરની બાજુમાંથી પસાર થતા વહોળામાં દાટેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. જો કે ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે તપાસ હાથ ધરી યુવકને તેની પત્ની અને બે સાળાઓએ સાથે મળી મોતને ઘાટ ઉતારી હત્યાને છુપાવવા મૃતદેહને દાટ્યો હોવાનું સામે આવતા જ હડકંપ મચી ગયો હતો. જો કે અમીરગઢ પોલીસે મૃતક યુવકના પિતાની ફરિયાદને આધારે  હત્યારી પત્ની અને બે સાળાઓને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે.


બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ખારા ગામે વનરાજસિંહ ગુલામસિંહ ચૌહાણના ખેતરમાં રાજેશ નામનો એક યુવક તેની પત્ની સાથે ભાગ્યા તરીકે રહેતો હતો.  જો કે યુવક થોડા દિવસો અગાઉ ઘરેથી છૂટક મજૂરીએ જવાનું કહી નીકળ્યો પરંતુ મોડી સાંજ સુધી પરત ઘરે ન ફર્યો. જોકે યુવક મોડી રાત સુધી ઘરે ન ફરતા  ખેતર માલિકે ઘટનાની જાણ યુવકના પિતાને કરી અને યુવકના પિતા ઉષાભાઈ ખારા ગામે પહોંચ્યા અને તેમને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી અને અમીરગઢ પોલીસ મથકે પહોંચી પોતાના દીકરો ગુમ થયો હોવાની અરજી આપી હતી.  જોકે પોલીસ યુવકની શોધખોળ કરી રહી હતી તે દરમિયાન જ ખેતર માલિકને તેમના ખેતરના બાજુમાંથી પસાર થતા વડા નજીક કપડું પડેલું દેખાતા તેમને યુવકના પિતા ઉષાભાઈએ આ શંકા મામલે અમીરગઢ પોલીસને જાણ કરી તો અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અમીરગઢ પોલીસને પણ આ જમીનમાં કઈ દાટ્યું હોય તેવી શંકા જતા પોલીસે અમીરગઢ મામલતદારને ઘટનાની જાણ કરી સ્થળ પર બોલાવી તે જગ્યા પર ખાડો ખોદતા અંદરથી ફોગાઈ ગયેલી હાલતમાં રાજેશનો મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો હતો.




પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો


જોકે  મૃતક રાજેશના પિતાને  રાજેશની હત્યા તેની પત્નીએ જ કરી હોવાની શંકા જતા રાજેશના પિતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી અને પોલીસે તપાસ કરી તો રાજેશની હત્યા તેની પત્ની અને બે સાળાઓએ સાથે મળીને કરી હોવાનું ખુલતા જ પોલીસે રાજેશની પત્ની અને બે સાળાઓને દબોચી લીધા છે. પોલીસે તેની સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. 


પારિવારિક ઝઘડામાં હત્યા થઈ હોવાનો ખુલાસો


જોકે આ હત્યા  ક્યાં કારણોસર થઈ તે દિશામાં તપાસ કરી તો પારિવારિક ઝઘડા અને શંકાઓને કારણે હત્યા કરી હોવાનું ખુલાસો થયો છે. પોલીસે અત્યારે તો આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.