ગાંધીનગરઃ ગુજરાતની નવી રચાયેલી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના મંત્રીઓએ શનિવારે પોતાના હોદ્દાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ કાર્યભાર પહેલાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા મંત્રીઓને જૂના મંત્રીઓની ઓફિસ ફાળવાઈ હતી.
આ પૈકી ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની એક ચેમ્બર મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ફાળવવામાં આવી છે જ્યારે બીજી ચેમ્બર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ફાળવવામાં આવી છે. નીતિન પટેલની બંને ચેમ્બર સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે એવેલી છે.
આ ફાળવણીમાં સ્વર્ણિમ સંકુલ 1ના પહેલા માળે આવેલી ભૂતપૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલની ચેમ્બર નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને ફાળવવામાં આવી છે જ્યારે ભૂતપૂર્વ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરની ચેમ્બર વન અને પર્યાવરણ મંત્રી કિરીતસિંહ રાણાને ફાળવાઈ હતી.
ભૂતપૂર્વ મહેસુલ મંત્રી કૌશિક પટેલની ચેમ્બર આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલને ફાળવવામાં આવી હતી જ્યારે ભૂતપૂર્વ અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાની ચેમ્બર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારને ફાળવાઈ હતી. ભૂતપૂર્વ વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવની ચેમ્બર ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ અર્જુનસિંહ ચૌહાણને ફાળવવામાં આવી છે.
સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે આવેલી ભૂતપૂર્વ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વર પરમારની ચેમ્બર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને ફાળવવામાં આવી છે જ્યારે ભૂતપૂર્વ કૃષિ મંત્રી આર.સી ફળદુની ચેમ્બર માર્ગ મકાન વાહન વ્યવહાર અને પ્રવાસન મંત્રી પુર્ણેશ મોદીને ફાળવવામાં આવી છે. ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચેમ્બર કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલને ફાળવાઈ છે.
સ્વર્ણિમ સંકુલ 1 નો ત્રીજો અને ચોથો માળ પહેલાંની જેમ જ મુખ્યમંત્રી કાર્યાલય માટે અનામત રહેશે. ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની એક ચેમ્બર મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ફાળવવામાં આવી છે જ્યારે નીતિન પટેલની બીજી ચેમ્બર શિક્ષણ મંત્રી જીતુ વાઘણીને ફાળવવામાં આવી છે.