રાજ્યમાં રસીકરણના કાર્યક્રમને લઈ 6 રિજનલ સેન્ટર બનાવવામાં આવ્યા છે. કોરોનાના વેક્સીનેશન માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં સેન્ટર બનાવાયા છે. આ મુખ્ય 6 સેન્ટર પરથી જિલ્લાઓમાં રસી મોકલવામાં આવશે.


16 તારીખથી દેશમાં ઐતિહાસિક રસીકરણ અભિયાનનો પ્રારંભ થવાનો છે. ત્યારે ગુજરાતમાં આ અભિયાન માટે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. ગુજરાતમાં વેક્સિનનો પ્રથમ જથ્થો આજે આવી જશે.

વાત ગાંધીનગરમાં આવેલા વેક્સિન સ્ટોરેજની કરીએ તો, અહીં 8 થી 10 લાખ ડોઝ રાખી શકાશે. વેક્સિનના સ્ટોરેજ માટે 2 થી 8 ડિગ્રીનું તાપમાન મેઈન્ટેઈન કરાશે. તો તેના વહન દરમિયાન પણ એવાજ વાહનોનો ઉપયોગ થશે કે જેમાં આ તાપામાન મેઈન્ટેઈન થઈ શકે.

વડોદરા શહેર-જિલ્લામાં પણ વેક્સિનના સ્ટોરેજ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામા આવી છે. વડોદરા મનપાના સેંટ્રલ વેકિસન સ્ટોરેજ પર 2 થી 8 ડિગ્રી વેક્સિન સંગ્રહ કરવાની વ્યવસ્થા ઉભી કરી દેવામા આવી છે. તો અહીંથી શહેરના 34 હેલ્થ સેન્ટર પર સલામત રીતે વેક્સિન પહોંચે તે માટે જરુરી વાહનોની વ્યવસ્થા પણ કરી દેવામા આવી છે.

વડોદરા શહેરના UHC ઉપરાંત જિલ્લાના 50 પીએચસી સેન્ટર પર વેક્સિન પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી દેવામા આવી છે. વડોદરામાં 16 તારીખથી વેક્સિનેશન શરૂ કરાશે. પ્રથમ 17000 હેલ્થ વર્ક્સનું વેક્સિનેશન કરાશે.

સુરત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે વેક્સિનના સ્ટોરેજ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલો રિજનલ વેક્સિન સ્ટોરમાં દસ લાખ વેક્સિનના ડોઝનો સંગ્રહ થઈ શકે તેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. જો કે, હાલના તબક્કે અહીં કોરોના વેક્સિનના 93 હજાર 500 ડોઝ આવવાની પ્રાથમિક માહિતી છે.