ખેડા: મહેમદાવાદ તાલુકાના આમસરણ ગામે સગાઈ પ્રસંગે ગૌમાંસની મિજબાની માટે ગાયની હત્યા કરવા મામલે કોર્ટે આકરી સજા ફટકારી છે. બે આરોપીઓને સાત વર્ષની કેદ અને એક લાખ રૂપિયાના દંડનો હુકમ નડીયાદ સેશન્સ કોર્ટે કર્યો છે. મહેમદાવાદ પોલીસ સ્ટેશને આઠ આરોપીઓ વિરૂદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોધાયો હતો. 100 કિલો ગૌમાંસ સાથે આઠ આરોપીઓ ઝડપાયા હતા.
સાજીદમિયા અનવરમિયાં મલેક અને સલીમમિયાં અહેમદમિયાં મલેકને સજાનો હુકમ કરવામાં આવ્યો છે જ્યારે અન્ય છ આરોપીઓ પુરાવાના અભાવે મુક્ત કરવામાં આવ્યા છે. સરકારી વકીલ ધર્મેન્દ્ર.સી.પ્રજાપતિ દ્વારા રજૂ કરવામાં આવેલા 12 સાક્ષીઓ અને 13 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ નડીયાદ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે.
અમદાવાદમાં શિક્ષક બન્યો શેતાન
અમદાવાદમાં એક શિક્ષક સામે વિદ્યાર્થિની ઉપર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. એક સગીરા પર તેના ટયુશનના શિક્ષક દ્વારા બળાત્કાર કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે સગીરાએ ટ્યુશન છોડાવી લીધા બાદ પણ શિક્ષક દ્વારા તેને પ્રેમ પત્ર લખી હેરાન કરતો હતો અને સગીરાનો પીછો કરી તેને પરેશાન કરતો હતો. જેને લઈને દાણીલીમડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાઇ છે. સગીરાના પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ ટ્યુશન શિક્ષકની ધરપકડ કરી છે.
દાણીલીમડા ચાર રસ્તા પાસે રહેતો સુનીલ પરમાર તેના જ ઘરમાં ટ્યુશન ક્લાસિસ ચલાવતો હતો. સુનીલ પરમારના ટયુશનના આવતી એક સગીરવયની વિદ્યાર્થિની પર સુનિલે બળાત્કાર ગુજાર્યો હતો. જૂન 2022થી એપ્રિલ 2023 સુધી સગીરા સુનીલ પરમારના ટયુશનના જતી હતી. તે દરમ્યાન સુનીલ આ સગીરાને ટયુશનના સમય કરતાં વધુ સમય ઘરે રોકી રાખતો હતો.જે બાદ સગીરાને ધાક ધમકીઓ આપી તેના પર અનેક વખત બળાત્કાર પણ ગુજાર્યો હતો.
જોકે સગીરાએ સુનીલના ટ્યુશન ક્લાસ છોડાવી લીધા બાદ પણ સુનીલ તેનો પીછો મૂકતો ન હતો અને સગીરાને લવ લેટર લખતો હતો. આ ઉપરાંત સગીરા જ્યારે ઘરેથી સ્કૂલે જાય ત્યારે પણ તેનો પીછો કરી તેને હેરાન કરતો હોવાનો આરોપ છે. એક દિવસ સુનીલ જ્યારે સગીરાનો પીછો કરી સ્કૂલ સુધી પહોચ્યો હતો ત્યારે ત્યાં અન્ય લોકોએ સુનિલને પકડ્યો હતો અને પ્રિન્સિપાલને જાણ કરી હતી. પ્રિન્સિપાલ સગીરાના માતા પિતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને સગીરાનાં પરિવારે દાણીલીમડા પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial