સમગ્ર ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ કેસ આવી રહ્યા છે ત્યારે હવે શહેર ઉપરાંત ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેના કારણે એનેક ગામોમાં કોરનાના કેસ વધવાને કારણે સ્વૈચ્છિક બંધ અથવા લોકડાઉનના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ત્યારે તાપીના વ્યારાનગરના વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.


વેપારીઓએ નક્કી કર્યા મુજબ આજથી 15 એપ્રિલ સુધી વ્યારા નગરની દુકાનો સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. નગરના વેપારી ઓએ સોશિયલ મીડિયા થકી અન્ય વેપારી ઓને સહયોગ આપવા અપીલ કરી છે.


ગામમાં આજથી 2 વાગ્યા બાદ નગરમાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધતા જતા કોરોનાના સંક્રમણને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ વ્યારા નગરના બજારો રાબેતા મુજબ ચાલુ છે.


રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 2800ને પાર થયો છે. શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 2 હજાર 875 કેસ નોંધાયા હતા. તો વધુ 14 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 8, અમદાવાદ શહેરમાં 4, વડોદરા શહેરમાં 1 અને અમરેલીમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયુ છે.


રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 15135 પર પહોંચ્યો છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81  ટકા છે.


નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં 664 અને ગ્રામ્યમાં 12, સુરત શહેરમાં 545 અને ગ્રામ્યમાં 179, વડોદરા શહેરમાં 309 અને ગ્રામ્યમાં 58, રાજકોટ શહેરમાં 233 અને ગ્રામ્યમાં 43, જામનગર શહેરમાં 54 અને ગ્રામ્યમાં 43, ભાવનગર શહેરમાં 58 અને ગ્રામ્યમાં 18, જૂનાગઢ શહેરમાં 17 અને ગ્રામ્યમાં 8, ગાંધીનગર શહેરમાં 30 અને ગ્રામ્યમા નવા 35 કેસ નોંધાયા છે.


તો અન્ય જિલ્લાની વાત કરીએ તો પાટણમાં 61, મહેસાણામાં 56, દાહોદમાં 38, પંચમહાલમાં 37, બનાસકાંઠા અને ભરુચમાં 30-30, ખેડામાં 29, મોરબીમાં 27, કચ્છમાં 26, આણંદમાં 25, મહીસાગરમાં 24, દ્વારકામાં 21, સુરેંદ્રનગરમાં 20, અમરેલી, સાબરકાંઠા અને તાપીમાં નવા 18-18, છોટાઉદેપુર, નર્મદા અને વલસાડમાં નવા 16-16, નવસારીમાં 15, બોટાદમાં નવા 10 કેસ નોંધાયા છે.