Ahmedabad ISKCON Bridge Accident: અમદાવાદ ખાતે ગત રાત્રીએ ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 યુવાનોના મોત થયા હતા. જેમાંથી ત્રણ યુવાનો બોટાદના રહેવાસી હતા. કારકિર્દી માટે ગયેલા યુવાનોના આજે મૃતદેહ ઘરે પહોંચતા હૃદય દ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તમામ પરિવારોની માંગ છે કે આરોપી તથ્ય પટેલને ફાંસીની સજા આપવામાં આવે.
અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર ગત રાત્રીના થાર કાર તેમજ ડમ્પરનો અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને લઈ અનેક લોકોના ત્યાં ઉભેલા હતા તે દરમ્યાન પુર પાટ ઝડપે જગુઆર કારે અકસ્માત સર્જ્યો હતો. અહીં ઉભેલા લોકોને કારે અડફેટે લેતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, 25 ફૂટની ઉંચાઈ સુધી લોકો ઉછળીને પટકાયા હતા. જેમાં અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયેલા હતા. તો નવ આશાસ્પદ યુવાનોના મોત થયેલ હતા.જેમાંથી ત્રણ યુવાનો જે બોટાદના હતા તેમના પણ મોત થયેલ હતા. જેમાં 23 વર્ષીય કૃણાલ નટવરભાઈ કોડિયા તેમજ રોનક રાજેશભાઈ વિહળપરા ઉંમર વર્ષ 21 તેમજ 23 વર્ષીય અક્ષર અનિલભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું.
આ ત્રણેય યુવાનો પોતાની કારકિર્દી અર્થે અમદાવાદ ખાતે હતા. જેમાં મળતી માહિતી મુજબ અક્ષર અનિલભાઈ ચાવડા કે જેઓએ બીડીએ પૂર્ણ કરેલ હોય બાદમાં એમબીએના અભ્યાસ અંતર્ગત ફોર્મ ભરવા માટે અમદાવાદ ખાતે ગયેલ હતા. જો તેમના પરિવારની વાત કરીએ તો પરિવારમાં માતા-પિતા તેમજ બહેનનો એકમાત્ર લાડકવાયો ભાઈ હતો જેમણે આ અકસ્માતમાં ગુમાવેલ છે. તેમજ રોનક રાજેશભાઈ વિહળપરા જે સિવિલ એન્જિનિયરનો અમદાવાદ ખાતે અભ્યાસ કરી રહ્યો હતો. તેમના પરિવારમાં માતા પિતા તેમજ અન્ય અન્ય એક ભાઈ મળી પરિવારમાં કુલ ચાર સભ્યો હતા. તેમજ કૃણાલ નટવરભાઈ કોડિયા કે જેઓને તાજેતરમાં જ બે મહિના પહેલા શિક્ષક તરીકેની નોકરી મળેલ હોય અને તે અમદાવાદ ખાતે ગયેલ હતો. જે અંતર્ગત તેમના મિત્રો સાથે બહાર ગયેલ હોય તે સમયે આ ઘટના સર્જાય હતી તો કૃણાલ કોડિયાના પરિવારમાં એક ભાઈ અને એક બેન હતા જેમાં આજે કૃણાલનું મોત થતા બહેને આજે બે ભાઈમાંથી એક ભાઈને ગુમાવવો પડ્યો છે.
આ તમામ યુવાનોના મૃતદેહ આજે પોતાના વતન ખાતે લાવવામાં આવેલ હતા. જેમાં રોનક રાજેશભાઈ વિહળપરા કે જેમનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલ ચાસકા ગામ ખાતે હોય ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવેલ હતી તો અન્ય બે યુવાન અક્ષર અનિલભાઈ ચાવડા તેમજ કૃણાલ નટવરભાઈ કોડિયા કે જેમના મૃતદેહ આજે બોટાદ ખાતે લાવવામાં આવેલ હતા તે સમયે પરિવારમાં હૃદય દ્રશ્યો સામે આવેલ હતા. માતા પિતાએ પુત્ર ગુમાવેલ તો એક ભાઈએ બીજા ભાઈને ગુમાવેલ એક બહેને પોતાના ભાઈને ગુમાવેલ ત્યારે મૃતદેહ ઘર સુધી પહોંચતા તમામ લોકોની આંખમાં માત્રને માત્ર આંસુ અને મુખ પર ગમગીની જોવા મળતી હતી.
ન માત્ર મૃતક પરિવાર પરંતુ આસપાસના તમામ લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મૃતક પરિવાર દ્વારા મૃતક યુવાનોનું હિન્દુ શાસ્ત્રોક વિધિ સાથે અંતિમ વિધિ કરવામાં આવેલ અને અકસ્માતમાં મૃત્યુ પામેલ આ નવ યુવાનો આજે પંચ મહાભૂતમાં વિલીન થયા તે સમયે સ્મશાન ખાતે ઉભેલા તમામ લોકો શોકમગ્ન માહોલમાં જોવા મળતા હતા.
અમદાવાદ ખાતે ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાનોના પરિવારજનો દ્વારા આક્રોશ સાથે જણાવેલ કે સરકાર દ્વારા આપવામાં આવેલ ચાર લાખની સહાયની અમારે જરૂર નથી પણ અમે રૂપિયા 25 લાખ આપી પણ અમારે અમારો દીકરો પરત જોઈએ છીએ. આ પ્રમાણેના રોષ સાથે તથ્ય પટેલને ફાંસી આપવામાં આવે તેવી આક્રોશ સાથે પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી.