લુણાવાડા: આજે સમગ્ર દેશનાં રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. લોકો પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે રંગે રમી રહ્યા છે ત્યારે કેટલાક કર્મીચારીઓ આ તહેવાર પર પોતાની માગને લઈને વિરોધ કરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ લુણાવાડા તાલુકાના પાદેડી રામપુર ગામે જૂની પેન્શન યોજનાની માંગને લઈને કર્મચારીઓ જન સંપર્ક આંદોલન કરી રહ્યા છે. જેમા લુણાવાડા તાલુકા રામપુર પાદેડી સહિતના અન્ય ગામોમાં થાળી વગાડી, જૂની પેન્શન યોજના લાગુ કરો લખેલ ટોપી, ટીશર્ટ પહેરી, બેનર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી રહ્યા છે.
આ તમામ કર્મચારીઓએ મહાદેવના મંદિરે શ્રીફળ વધેરી સુત્રોચાર કરી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ કર્મચારીઓ લાંબા સમયથી જૂની પેન્શન યોજનાની માગને લઈને આંદોલન કરી રહ્યા છે. આ તમામ કર્મચારીઓ જન સંપર્ક કરી અને દરેક કર્મચારીઓના ઘરે જઈ નવી પેન્શન યોજનાથી થનાર ગેરફાયદા સમજાવી રહ્યા છે અને ઘરે ઘરે સ્ટીકર લગાવી રહ્યા છે. હવે અન્ય તાલુકાઓમાં પણ આંદોલન તેજ બનાવવામાં આવશે તેમ કર્મચારીઓએ જણાવ્યું હતું.
આ દિવસોમાં જૂની પેન્શન યોજનાનો મુદ્દો ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગુંજી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દો છવાયેલો રહ્યો હતો. દેશના કેટલાક રાજ્યોમાં OPSને લાગુ કરી દેવામાં આવી છે. જેમા રાજસ્થાન,છત્તીસગઢ અને ઝારખંડનો સમાવેશ થાય છે. જો કે આ બધા વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે સરકારી કર્મચારીઓને જૂની પેન્શન ફરી લાગુ કરવાની કોઈ યોજના નથી.
વિપક્ષે પૂછ્યો હતો સવાલ
હકિકતમાં સંસદમાં વિપક્ષી સાંસદે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે સરકારને સવાલ કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે, શું અન્ય રાજ્યોની જેમ કેન્દ્ર સરકાર પણ કેન્દ્રીય કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરશે. જો કેન્દ્ર સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરશે તો કેવા પગલા લેવામાં આવશે અને જો નહીં કરે તો તેની પાછળનું કારણ શું છે.
OPS સરકાર નહીં લાગુ કરે
જેના પર નાણા રાજ્યમંત્રી ડો.ભાગવત કરાડ દ્વારા લેખિતમાં જવાબ આપવામાં આવ્ય હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે, રાજસ્થાન સરકારે 23 ફેબ્રુઆરીએ બજેટમાં જૂની પેન્સન યોજના લાગુ કરવાની જાહેરાત કરી હતી. તે વ્યવસ્થા તે લોકો પર લાગું કરવામાં આવશે જેની નોકરી 2004 કે તેના બાદ શરૂ થઈ હતી. તેમણે કહ્યું કે આ જૂની પેન્સન યોજનાને લાગુ કરવાની કેન્દ્રની હાલ કોઈ યોજના નથી.