અમદાવાદઃ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ, દંડક, ઉપદંડક અને ધારાસભ્યોના પગારમાં એક વર્ષ માટે 30 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વિધાનસભા સત્રમાં બિલ લાવવા માટે ગઇકાલે મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામા આવ્યો છે. રાજયમાં કરાર આધારિત નિવૃત કર્મચારી અને અધિકારીઓના પગારમાં પણ 30 ટકાનો ઘટાડો કરવાનો નાણા વિભાગે નિર્ણય કર્યો છે. મૂળ પગારમાં 30 ટકાનો કાપ એપ્રિલ 2020થી એક વર્ષના સમયગાળા માટે અમલી રહેશે. પદાધિકારીઓ અને ધારાસભ્યોના પગારમાં ઘટાડો થતા એક વર્ષના ગાળામાં અંદાજે 6 કરોડ 27 લાખની રકમની બચત થશે. આ રકમ કોરોના સામેની લડતના ખર્ચ માટે વાપરી શકશે.

આ મામલે મંત્રી પ્રદિપસિંહ કહ્યું કે, કોરોના મહામારીના સંદર્ભમાં નાણાકીય ખર્ચમાં બચત થાય તે ઉદ્દેશથી રાજ્ય સરકારે અનેકવિધ પગલા લીધા છે. ત્યારે કેટલાક ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા વ્યક્તિગત રીતે રાજ્ય સરકારને નાણાકીય મદદ કરવા માટે તત્પરતા દર્શાવાયેલી હતી. આ અંગે એક સમાન નીતી અખત્યાર કરવાના હેતુથી સરકારે ધારાસભ્યો અને પદાધિકારીઓના મુળ પગારમાં ૩૦ ટકાનો કાપ એપ્રિલ, ૨૦૨૦થી એક વર્ષના સમયગાળા માટે અમલી રહે તે રીતની જોગવાઇ કરતો વટહુકમ બહાર પાડી સંબંધિત કાયદાઓમાં સુધારો કરવાનો નિર્ણય કરી તેની અમલવારી શરૂ કરી છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી પદાધિકારીઓ અને ધારાસભ્યોના પગારમાં ઘટાડો થતા એક વર્ષના ગાળામાં અંદાજે ૬.27 કરોડ રૂપિયાની બચત થશે. જે રકમ કોરોના સામેની લડતના ખર્ચ માટે વાપરી શકાશે.

આ સાથે જ ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓના પગારમાં જે રીતે એક વર્ષ માટે ૩૦ ટકાનો પગાર કાપ મુકવામાં આવ્યો છે તે જ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે નિવૃત્ત કર્મચારીઓ / અધિકારીઓને કરાર આધારિત નિમણુક આપવામાં આવી છે તેમને મળતા પગારમાં પણ ૩૦ ટકા કાપ એક વર્ષના સમયગાળા માટે મુકવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.