અમદાવાદઃ કેંદ્ર સરકારે સ્કૂલો-કોલેજો શરૂ કરવાની પરમિશન આપી દીધા બાદ રાજ્ય સરકારે દિવાળી વેકેશન બાદ 20 નવેમ્બર પછી સ્કૂલો શરૂ કરવા વિચારણા હાથ ધરી છે. હાલ દરેક જિલ્લામાં ડીઈઓને કર્મચારી, શિક્ષકો, આચાર્યો તથા વાલીઓ સહિતના સબંધિત લોકો સાથે બેઠકો કરી અભિપ્રાયો લેવાની જવાબદારી સરકારે સોંપી છે.


દિવાળી વેકેશન બાદ નવેમ્બરમાં જ સ્કૂલો ખોલવાના આયોજન સાથે એસઓપી નક્કી કરવાની પ્રક્રિયા હાલ શરૂ કરાઈ છે. જિલ્લાઓમાંથી મળતા સૂચનો મુજબ હાલ સામાન્ય પણે તમામનો મત છે કે થોડા થોડા વિદ્યાર્થી સાથે ધો.૧૦-૧૨નું શિક્ષણ શરૂ કરવુ જોઈએ. જો કે વહિવટી કર્મચારી મંડળે સૂચન કર્યુ છે કે કર્મચારીઓ તમામ કામગીરી કરવા અને તકેદારી રાખવા તૈયાર છે. પરંતુ શિક્ષણ વિભાગે અને આરોગ્ય વિભાગે જવાબદારી લેવી પડશે.

સ્કૂલો-કર્મચારીઓ માથે કોઈ પણ બાબતે દોષનો ટોપલો ઢોળી દેવામા ન આવે. દરેક જિલ્લામાંથી અભિપ્રાયો આવ્યા બાદ બોર્ડ-જીસીઈઆરટી અને શિક્ષણ વિભાગ સરકારને રિપોર્ટ સોંપાશે અને જેના આધારે એક ચોક્કસ એસઓપી નક્કી કરાશે.