ગુજરાતમાં આવેલા તૌકતે વાવાઝોડા બાદ પ્રધાનમંત્રી મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ એક હજાર કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતાને સંબોધન કર્યું હતું. જેમાં સૌ પ્રથમ તૌકતે વાવાઝોડાની સ્થિતિનું અવલોકન અને ગુજરાતને આપેલા રાહત પેકેજ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્ય હતો. સાથે નુકસાન પર કામગીરી અને અન્ય વ્યવસ્થા અંગે પણ જાણકારી આપી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, PM મોદીએ વાવાઝોડા બાદની સ્થિતિનું ઉંડાણપુર્વક અવલોકન કર્યુ છે. ગુજરાત સરકારની કામગીરી પર પીએમ મોદીએ સંતોષ વ્યક્ત કર્યો છે. ગુજરાતને પ્રધાનમંત્રીએ હંમેશા ત્વરિત મદદ કરી છે. ઈજાગ્રસ્તોને 50 હજાર, મૃતકોના પરિવારને કેંદ્ર સરકાર તરફથી 2 લાખ સહાય અને રાજ્ય સરકાર 4 લાખ રૂપિયા મૃતકના પરિવારને આપશે. આમ એક પરિવારને 6 લાખ રૂપિયાની કુલ સહાય મળશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, જે લોકોને સ્થળાંતરીત થવું પડ્યું અને પોતાની રોજી ગુમાવવી પડી તેમને કેશડોલ આપવામાં આવશે. જેમાં મોટા લોકોને 100 અને બાળકો માટે રૂ.60નો કેશડોલની ચૂકવણી થશે.
પીએમ મોદીએ ગુજરાતમાં તૌક્તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આંકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનને રાજ્યની આ વાવાઝોડા સ્થિતિનો ચિતાર આપ્યો હતો.
વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું એ બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેરાયો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 8 કલાકની અંદર 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. રાજ્યમાં ભાવનગર, વલસાડ, સુરત, અમરેલી, ભરૂચ, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.