ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થવાની શકયતા વચ્ચે કેસોમાં વધારો થઈ રહ્યો છે.આ સ્થિતિમાં સરકારને સ્કૂલો-કોલેજો 23મીથી શરૂ કરવાના નિર્ણય મુદ્દે યુ ટર્ન લેવાની ફરજ પડી છે.

રાજ્યમાં હવે 23 નવેમ્બરથી શાળા-કૉલેજો નહું ખુલે. કોરોનાના વધતા સંક્રમણના કારણે રાજ્ય સરકારે 23 નવેમ્બરથી શાળા શરૂ કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો છે. શાળા શરુ કરવાને લઈને ગઈકાલે જ શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં તમામ DEO સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈનને અનુસરવાની કડક સૂચના અપાઈ હતી.

જે શાળામાં ગાઈડ લાઈનના ચુસ્ત પાલનની વ્યવસ્થા ન હતી ત્યાં વ્યવસ્થા કરવાની પણ સૂચના અપાઈ હતી. પણ બાદમાં મોડી રાત્રે આ નિર્ણય મોકૂફ રાખીને શાળા-કૉલેજો બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી.

કોરોનાના સંક્રમણ વચ્ચે શાળા ખોલવાના નિર્ણયનો અનેક વાલીઓએ વિરોધ દર્શાવ્યો હતો. માર્ચ મહિનામાં લૉકડાઉન લાગ્યુ ત્યારથી જ રાજ્યમાં શાળા બંધ છે. શાળા-કૉલેજો ક્યારે ખોલવા અંગે આગામી સમયમાં સરકાર નવી તારીખો જાહેર કરશે.

નોંધનીય છે કે, અમદાવાદમાં કોરનાની સ્થિતિ ખરાબ થતા સરકારે કર્ફ્યુના નિર્ણયમાં ફેરફાર કરી સોમવાર એટલેકે 23મીના સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન-કર્ફ્યુ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે.