રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગે કચ્છ અને કંડલામાં હીટ વેવની આગાહી કરી છે.  અમદાવાદમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે 44 ડિગ્રી તાપમાન પહોંચવાનું અનુમાન છે.  સતત ત્રીજા દિવસે અમદાવાદ, ખેડા અને આણંદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે.


વડોદરા, પંચમહાલ, મહેસાણામાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે.  રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. કાળઝાળ ગરમીને જોતા કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરીને લોકોને ચેતવણી આપી છે. સખત ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. જો જરૂરી હોય તો છત્રી સાથે રાખો અથવા સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે ટોપી, ટુવાલ, સ્કાર્ફ વગેરેથી ઢાંકીને બહાર નીકળો. આ સાથે જ ખુલ્લા પગે તડકામાં બહાર જવાનું ટાળો, પીવામાં વધારે પાણીનું સેવન કરો, ORS વગેરે લો, મોસમી જેવા ફળો અને શાકભાજી ખાઓ. મહાનગરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતા રસ્તાઓ સૂમસામ બન્યા છે. લોકો બપોરના સમયે કામ સિવાય બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. 


ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, આમ આદમી પાર્ટીના 25 કાર્યકર્તાની અટકાયત


શહેરમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામ સામે આવી ગયા છે. આપના કાર્યકરો સુરત ખાતે ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે બન્ને પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. હવે આ મામલે આપના 25થી વધુ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના અંગે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ આપથી ડરે છે. ભાજપ કાર્યલય ખાતે ગુંડા બોલાવામાં આવ્યા છે. આપ હમેંશા લડતી રહેશે.


તો બીજી તરફ સુરત આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શનનો મામલો હવે ગરમાતો જોવા મળી રહ્યો છે. સુરતની ઘટના બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ગાંધીનદર ખાતે પોલીસ બંદોબસ્ત વધારાયો છે. ડીવાયએસપી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો કમલમ બહાર ખડકી દેવામાં આવ્યો છે. સુરતની ઘટનાને જોતા કમલમ ખાતે આપનું વિરોધ પ્રદર્શન ન થાય તેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કમલમ ખાતે ગાંધીનગરના કાર્યકર્તાઓને પણ પાર્ટી દ્વારા બોલાવવામાં આવ્યા હતા.


નોંધનિય છે કે, ગઈકાલે આમ આદમી પાર્ટીના નગરસેવક પર પોલીસે કરેલ દમન ગુજાર્યોનો આરોપ લગાવ્યો હતો. આપના કાર્યકરોએ  ભાજપ કાર્યાલયે ઘેરાવ કર્યો હતો. એવો પણ આરોપ છે કે, પાલિકાના માર્શલો દ્વારા આપના નગરસેવકનું ગળું દબાવાયું હતું. આ ઉપરાંત મહિલા નગરસેવકના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા આપના નગરસેવકોની ફરિયાદ પણ ન લેવામાં આવી હોવાનો આક્ષેપ લાગ્યો છે. જેથી આજે આપના નગરસેવકો અને કાર્યકરો મોટી સંખ્યામાં સુરત ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.