ગાંધીનગર: હવામાન વિભાગની  આગાહી મુજબ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આગામી બે દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા લગભગ નહિવત છે. કેટલાક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ વરસશે.  આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, સુરત, તાપી, વલસાડ અને ડાંગમાં  સામાન્ય વરસાદ વરસી શકે છે.  અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની  આગાહી કરવામાં આવી છે. આજે સવારથી અરવલ્લી, વડોદરા, અમદાવાદ, ભાવનગર  જિલ્લામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. 


ગુજરાતના અન્ય  જિલ્લામાં પણ  સામાન્ય ઝરમર વરસાદ  વરસ્યો છે. ક્યાંક છુટોછવાયો વરસાદ છે. આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, આજે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.   


પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત


આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે છે. સૌરાટ્રમાં પણ એકાદ સ્થળે વરસાદ રહી શકે છે. ગુજરાતમાં ત્યાર સુધી સિઝનનો 37 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં  605.7 mm વરસાદ રહ્યો છે. આગામી 5 થી 6 દિવસ હળવો વરસાદ રહી શકે છે.  


છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ


હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગઈકાલે સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના આંકડા બહાર પાડ્યા છે. જે અનુસાર રાજ્યમાં 201 તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરતના કામરેજમાં સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. 8 તાલુકામાં એક ઈંચ સુધી, 12 તાલુકામાં પોણો ઈંચ અને 21 તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. 


ઉકાઈ ડેમની જળસપાટી વધી


મહારાષ્ટ્રના હથનુર ડેમના કેચમેન્ટમાં વરસાદ ધીમો પડતા પાણી છોડવાનું ઘટાડીને 62 હજાર કયુસેક કરાયુ છે. ગત દિવસોમાં છોડાયેલ પાણીની આવક ઉકાઇ ડેમમાં આવતા સપાટીમાં 12 કલાકમાં બે ફુટનો વધારો થયો હતો. ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વિતેલા 24 કલાકમાં વરસાદ ધીમો પડયો હતો. જેમાં માલપુરમાં ચાર ઇંચ, ટેસ્કામાં 1.5 ઇંચ, તલોદા, અક્કલકુવા, ઉકાઇ, શહદા, ગીધાડેમાં એક ઇંચ વરસાદી પાણી પડયુ હતુ. આ વરસાદમાં સૌથી વધુ વરસાદ હથનુર ડેમથી ઉકાઇ ડેમ સુધીના ભાગમાં વરસ્યો હતો. જયારે હથનુર ડેમના કેચમેન્ટમાં ઓછો વરસાદ નોંધાયો હતો.  ઉકાઈ ડેમની જળસપાટીમાં 10 જ દિવસમાં 15 ફૂટ નો વધારો થયો છે. 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial