અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું નબળુ પડી ગયું છે. રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.  25, 26 અને 27 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી આસપાસ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  


હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 24 સપ્ટેમ્બર નજીક બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. તેની અસર ઓડિસા, દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. 


આજે 22  સપ્ટેમ્બર અને રવિવારના દિવસે સૌરાષ્ટ્રમાં  અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત,નવસારી, ભરૂચ, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના  અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  


દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી 


ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે.  હવામાનની પેટર્નમાં ફેરફારના સંકેત આપ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ વરસી  શકે છે.


દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ બાદ અનેક રાજ્યો પૂરની ઝપેટમાં આવી ગયા છે. નદીઓ બે કાંઠે થઈ છે અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. દેશના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ ચાલુ છે. જેના કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થોડા દિવસો સુધી વરસાદથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. IMDએ જણાવ્યું હતું કે 23 સપ્ટેમ્બરની આસપાસ, ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે.


ઓડિશામાં 24 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 26 સપ્ટેમ્બર સુધી સમાન હવામાનની અપેક્ષા છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં  વરસાદ વરસી શકે છે. સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 26 સપ્ટેમ્બરે ભારે વરસાદ થવાની સંભાવના છે.


આગામી સપ્તાહે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીની આગાહીમાં રાજસ્થાનના પૂર્વીય ભાગોમાં વરસાદી ગતિવિધિઓ વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સપ્તાહમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.


Gujarat Rain Forecast: રાજ્યના આ 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગે 2 જિલ્લામાં ભારે વરસાદનું આપ્યું એલર્ટ