Surat: સુરતમાં રોગચાળાને લઇ ધારાસભ્ય કુમાર કાનાણીએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. રોગચાળાના આંકડામાં સત્તત વધારો થઈ રહ્યો છે. નવી સિવિલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે નવી સિવિલ તબીબ ડો જિગીષા પાટડિયાએ સ્વીકાર કર્યો છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ આ બે મહિનામાં રોગચાળામાં વધારો થયો છે.


સુરતમાં ડેન્ગ્યૂથી 2 મહિનામાં 8નાં મોત થયા છે.  સુરત મહાનગર પાલિકા અને સિવિલ હોસ્પિટલના ડેન્ગ્યુના કેસોમાં વિરોધાભાસ છે જેમાં 4 મહિનામાં પાલિકાના ચોપડે માત્ર 87 કેસ નોંધાયા છે જ્યારે સિવિલમાં ડેન્ગ્યૂના 239 દર્દી દાખલ થયા છે. ઓગસ્ટમાં સિવિલમાં 155 દર્દી દાખલ થયા જ્યારે સપ્ટેમ્બરના 10 દિવસમાં જ 21 દર્દી દાખલ થયા છે. સાથોસાથ ખાનગી હોસ્પિટલમાં ત્રણ ગણા કેસ નોંધાય છે. 


ચાલુ સપ્ટેમ્બર માસના સ્મિમેર હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલમાં મલેરિયા અને ડેન્ગ્યૂના 94 જેટલા કેસો નોંધાયા  છે. જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં એના કરતાં ત્રણ ગણા કેસો નોંધાઈ ચૂક્યા છે. સુરત મહાનગરપાલિકા સવા લાખ ઘરોનો સરવે રોજ કરી રહી છે. અત્યારસુધી 26 લાખ ઘરોનો સરવે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો જેમાંથી 67 હજાર ઘરોમાં મચ્છરોનાં બ્રીડિંગ મળી આવ્યાં. એપ દ્વારા ખાનગી હોસ્પિટલમાંથી આંકડા મંગાવવામાં આવી રહ્યા છે. 


નવી સિવિલના તબીબ જિગીષા પાટડિયાએ જણાવ્યું હતું કે, રોગચાળાને લઇ  માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ચોમાસા બાદ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધ્યા છે .ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં રોગચાળો વધ્યો છે. ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 150 કેસો નોધાયા છે. સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના ૨૦ કેસ નોધાયા તો વર્ષ ૨૦૨૪ માં દક્ષિણ ગુજરાતમાં ૪૪૦ કેસ ડેન્ગ્યુના નોધાયા છે. રોગચાળાના સિસ્ટમ્સ દેખાય ત્યારે તાત્કાલિક હોસ્પિટલ આવો રોગનું નિદાન કરાવો અને આપના આસપાસમાં ફેલાયેલ ગંદકીની જાણકારી પાલિકાને આપો.


રાજકોટમાં 28 વર્ષના યુવકનું ડેન્ગ્યુથી મોત


રાજકોટ શહેરમાં રોગચાળો વધી રહ્યો છે ત્યારે ઉપલાકાંઠા વિસ્તારના 28 વર્ષના યુવકનું ડેન્ગ્યુથી મૃત્યુ થયું છે. તાવમાં પટકાયા બાદ યુવકનો ડેન્ગ્યુનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને બે દિવસની સારવાર બાદ તેણે અંતિમ શ્વાસ લીધા.


આ અંગે સામે આવેલી માહિતી અનુસાર મોરબી રોડ પરની સેટેલાઇટ સોસાયટીમાં રહેતા જય સુભાષભાઇ રેણપરા (ઉ.વ.28)ને બે દિવસથી તાવ આવતો હતો. તેની તબિયત લથડતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેને ડેન્ગ્યુ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. તબીબો દ્વારા જયની સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ શુક્રવારે રાત્રે જયનું મૃત્યુ થયું હતું. જયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જય 150 ફૂટ રિંગ રોડ પર ઓટો કન્સલ્ટન્ટનું કામ કરતો હતો. તેના પિતા ઓટો પાર્ટસની દુકાન ચલાવે છે. જય રેણપરા પરિવારનો એકનો એક પુત્ર હતો અને જયને સંતાનમાં ચાર મહિનાનો પુત્ર છે. જયનાં મોતથી રેણપરા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ સહિતના રોગથી મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, પરંતુ આરોગ્ય તંત્રના ચોપડે હજુ સુધી એક પણ મોત નોંધાયું નથી. જો કે ખાનગી હોસ્પિટલના ડેન્ગ્યૂ અંગેના આંકડા ચકાસવામાં આવે તો સત્ય વિગતો બહાર આવી શકે તેમ છે.


આ પણ વાંચો...


Tirupati: 'હે બાલાજી ભગવાન! માફ કરો', તિરુપતિ પ્રસાદ વિવાદને લઈને ડેપ્યુટી CM પવન કલ્યાણ 11 દિવસના ઉપવાસ પર