Navratri 2023:  આજથી બે દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના લીધે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસમાં વરસાદ વરસી શકે છે.                       

  


ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડી શકે તેવી હવામાન વિભાગે આ ગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આજે અમદાવાદ સહિત અરવલ્લી, મહીસાગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. જો કે રાજ્યમાં બે દિવસ બાદના ચાર દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. અમદાવાદમાં આજે સાંજે છ વાગ્યાથી રાતના 11 વાગ્યા દરમિયાન વાતાવરણમાં પલટો આવશે. તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ વરસી શકે છે.              


અગાઉ ગઇકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગે 2 થી 3 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભચાઉ તાલુકાના ચોબારી ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી.  


અરવલ્લીના માલપુરમાં મેઘરાજાની ધીમીધારે એન્ટ્રી થઇ હતી. મંગલપુર, ગોવિંદપુર, પનાવડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો જો કે  નવરાત્રિના પ્રથમ દિવસે વરસાદથી ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતામાં વધી છે. તો બીજી તરફ વરસાદના કારણે સોયાબીનના પાકના  નુકસાનની પણ  ભીતિ સેવાઇ રહી છે.          


જૂનાગઢ જિલ્લામાં પણ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.  વિસાવદર, કેશોદ, માળિયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.  કેશોદના અજાબ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદથી કેટલાક ખેતરોમાં પાણી ભરાઇ જતાં પાકના નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.   ચોમાસાએ વિધિવત વિદાય લઇ લીધા બાદ છેલ્લા 2 દિવસથી ફરી રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ વરસાદની આગાહી કરી છે.