Rain Forecast:ગુજરાતના દક્ષિણ સહિત કેટલાક ઝોનમાં ભારે તો ક્યાંક છુટછવાયા હળવા વરસાદનું (rain) અનુમાન છે. હાલ દક્ષિણ ઓડિશામાં એક સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેની અસર આગામી પાંચ દિવસ ગુજરાત પર રહેશે. જેના કારણે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના 14 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે (Meteorological Department) સાત જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ તો સાત જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદ વરસી શકે છે. આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદ વરસી શકે છે. અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદની કરી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રી સમયે વરસાદની આગાહી કરી છે. અંબાલાલાના અનુમાન મુજબ રાસ-ગરબાની રમઝટમાં મેઘરાજા વિઘ્નરૂપ બની શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. નવરાત્રી દરમિયાન સમગ્ર રાજ્યમાં ક્યાંક ભારે, તો ક્યાંક હળવા વરસાદની આશંકા વ્યકત કરી છે.
જો કે બીજી તરફ અમદાવાદમાં વરસાદ બંધ થતાં તાપમાનનો પારો ઉંચે ચઢતા ફરી કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી વધ્યુ છે. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
રાજ્યના ડેમ કેટલા ઓવરફ્લો
સારા વરસાદને પગલે રાજ્યના 207 પૈકી 110 જળાશયો છલોછલ થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 94 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ છલોછલ થયો છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 152 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 131 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા છ જળાશયો વોર્નિંગ પર છે.
સિઝનમાં ક્યાં કેટલા ટકા વરસ્યો વરસાદ
છેલ્લા ચાર વર્ષની તુલનાએ આ વર્ષે ઓગસ્ટમાં સૌથી વધુ 17.68 ઈંચ વરસાદ વરસ્યો છે. ખેરગામ તાલુકામાં સિઝનનો સૌથી વધુ 128.68 ઈંચ વરસાદ વરસ્યો છે. તો છ તાલુકાઓમાં 100 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.21 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લામાં સિઝનનો 179.21 ટકા વરસાદ વરસ્યો, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 125 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 111.61 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 105 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો વરસ્યો 88.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આ પણ વાંચો
Gujarat flood: પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે કેન્દ્રીય ટીમ, ગૃહ મંત્રાલયે ટીમની કરી રચના