Rain Forecast:દેશના કેટલાક રાજ્યમાં ચોમાસું ભરપુર જામ્યું છે. આવી સ્થિતિમાં ઘણા એવા રાજ્યો છે જે પૂરની ઝપેટમાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે  ઓરેંજ  ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, તામિલનાડુ, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, કોંકણ, ગોવા, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 17 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


દિલ્હી, મુંબઈમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ


આ સિવાય હવામાન વિભાગે આજે દિલ્હી અને મુંબઈમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. RMC મુંબઈના જણાવ્યા અનુસાર, નાણાકીય રાજધાનીમાં 19 જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. મહારાષ્ટ્રના અન્ય શહેરોની વાત કરીએ તો, હવામાન વિભાગે પુણે, કોલ્હાપુર, અકોલા, અમરાવતી, ભંડારા, નાગપુર, યવતમાલમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે સતારા, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગમાં ભારે વરસાદની સંભાવના છે.


તેલંગાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ


IMD અનુસાર, તેલંગાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 17 જુલાઈ સુધી વરસાદ થઈ શકે છે. તદુપરાંત, તમિલનાડુ અને પુડુચેરી સહિત દક્ષિણ ભારતીય પ્રદેશમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, જ્યારે આંધ્ર પ્રદેશમાં 15 જુલાઈ સુધી વરસાદ પડશે. પ્રાદેશિક હવામાન વિભાગ (RMC) દ્વારા જાહેર  કરવામાં આવેલા ભારે વરસાદના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડી શકે છે. સતારા, કોલ્હાપુર, સિંધુદુર્ગ અને રત્નાગીરી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


ઉત્તરાખંડ અને પૂર્વી રાજસ્થાન ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગે ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં 17 જુલાઈ સુધી, ઉત્તર પ્રદેશમાં 15 જુલાઈ સુધી અને હિમાચલ પ્રદેશમાં 16 અને 17 જુલાઈ સુધી ભારે વરસાદ ની આગાહી કરી છે.


ઓડિશામાં 17 જુલાઈ સુધી ભારે વરસાદ


ઓડિશામાં 17 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુરમાં 16 જુલાઈ સુધી વરસાદ પડશે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સહિત અન્ય પૂર્વ અને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં 15 જુલાઈ સુધી વરસાદ થવાની સંભાવના છે, જ્યારે બિહારમાં  પણ ભારે વરસાદનું અનુમામ છે.