પાટણ: રાધનપુરના જાવંત્રી ગામમાં કરુણ ઘટના સામે આવી છે. દીકરાની જાનની તૈયારી ચાલતી હતી ત્યારે માતાનું મોત થતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો. લગ્ન મંડપમાં લાગેલા પંખાનો મહિલાને વીજ કરંટ લાગતા સારવાર મળે તે પહેલાં મોત નિપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ મહિલાના પતિનું પહેલા જ નિધન થયું છે. દીકરા-દીકરીના સહારે વિધવા મહિલાએ જિંદગી વિતાવી હતી. જ્યારે ઘરમાં સુખનો સુરજ ઉગવાનો હતો ત્યારે જ કાળ ભરખી ગયો. દીકરાના લગ્ન સમયે જ માતાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. મહિલાની લાશને પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.


જામ્બુવા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી 


HIT AND RUN: વડોદરા નજીક નેશનલ હાઇવે પાસે જામ્બુવા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બાઈક પર સવાર દંપતીને વાહનચાલક અડફેટે લઈ ફરાર થઈ ગયો છે. હિટ એન્ડ રનની ઘટનામાં કનુભાઈ સેનવા નામના વ્યક્તિનો આબાદ બચાવ થયો છે જ્યારે તેમના પત્ની પ્રેમિલાબેન સેનવાનું ઘટના સ્થળે જ મોત થયું છે. હિટ એન્ડ રનની ઘટનાના પગલે હાઇવે પર 10 થી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતને પગલે મકરપુરા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોચ્યો હતો. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જો પ્રાપ્ત માહિતી અનુસાર જામ્બુવા બ્રિજ પર દર મહિને અકસ્માતમાં 8-10 લોકોના મોત થતા હોવાની વાત સામે આવી છે.


ગાયે શિંગડું માર્યું હતું એ યુવકની આંખ ફૂટી, પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ


વડોદરાના વાઘોડિયા રોડ પર ગાયે શિંગડું માર્યું હતું એ યુવકની આંખ ફૂટી ગઈ છે. યુવકે આજીવન એક આંખે રહેવાનો વારો આવ્યો છે. : ગત તારીખ 12 મે ના રોજ વાઘોડિયા રોડ પર રખડતી ગાયે આ યુવકને શિંગડું માર્યું હતું. ગાયે અડફેટે લેતાં યુવાનની એક આંખ ફૂટી ગઈ છે. પુત્રએ એક આંખ ગુમાવતા તેના પિતા નીતિનભાઈ પટેલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 


પોલીસે પાંચ દિવસે ગુનો નોંધતા પરિવારમાં આક્રોશની લાગણી જોવા મળી છે. યુવાનના પિતાએ કોર્પોરેશનના અધિકારીઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી, પણ પોલીસે કોર્પોરેશનના અધિકારીઓ સામે ગુનો ન નોંધ્યો. પોલીસે ગાયના અજાણ્યા માલિક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. જો કે  યુવાનના પિતાએ  ચીમકી, આપી છે કે જો ન્યાય નહિ મળે તો કોર્પોરેશનમાં ભૂખ હડતાળ પર ઊતરશે  અને કોર્ટના દ્વાર ખખડાવશે.