ગાંધીનગર: ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર 15 જુલાઈ બાદ વરસાદથી આંશિક રાહત મળશે. ત્યાં સુધી તો મેઘરાજા ધમરોળશે. આવતીકાલે અમદાવાદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા આણંદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 13 જુલાઈના રોજ ડાંગ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 14 જુલાઈએ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યના 16 જિલ્લાના પંચાયત હસ્તકના 382 રસ્તા બંધ
રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના 16 જિલ્લાના પંચાયત હસ્તકના 382 રસ્તા બંધ છે. સૌથી વધુ રસ્તાઓ વલસાડ જિલ્લામાં બંધ થયા છે. વલસાડમાં 92, નવસારીમાં 88, તાપી જિલ્લામાં 57 રસ્તાઓ બંધ થયા છે. 36 સ્ટેટ હાઈવે અને કચ્છને જોડતો 1 નેશનલ હાઈવે પણ પાણી ફરી વળતા બંધ થયો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા 171 ગામમાં વીજળી ગુલ થઈ ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં વીજપોલ ધરાશાયી થતા સબ સ્ટેશનોમાં પાણી ભરાતા, 145 ગામમાં વીજળી ગુલ થઈ છે.
રાજ્યના 12 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ 36 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ તથા રાજ્યના 12 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના 69 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 11 જુલાઇ 2022ના રોજ સવારે 6 કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 65.45 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 41.79 ટકા, સૌરાષ્ટ્રમાં 39.43 ટકા, પૂર્વ ગુજરાતમાં 30.07 ટકા અને ઉત્તર ગુજરાતમાં 20.44 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.