Gujarat Rain Update: દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉમરપાડામાં બારે મેઘ ખાંગા થતા જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સવારે 6 થી બપોરે 2 સુધીમાં 13 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે સરદાથી ગોવટ અને સરલી જતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ વિસ્તારની નદીઓ પણ ગાંડીતૂર બની છે.
ઉમરપાડાનો દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ભારે વરસાદથી દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. ઉમરપાડાના જંગલોની વચ્ચે આવેલો છે દેવઘાટ ધોધ હાલમાં લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વરસાદને કારણે જંગલોનું સીધુ પાણી દેવઘાટ ધોધમાં આવે છે. ધોધ વહેતો થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સરકાર દ્વારા દેવઘાટને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ખાસ ચોમાસામાં દેવઘાટના આહલાદક દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટે છે.
હવામાન વિભાગની આગાહી
તો બીજી તરફ તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 12 અને 13 જુલાઈએ રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા પ્રાથમિક શાળા અને આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી તાપીએ આ નિર્ણય લીધો છે. અગમચેતીના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
એનડીઆરએફની ટીમો રવાના
રાજ્યના આઠ જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદ સંદર્ભે ઝીરો કેઝ્યુલિટીના અભિગમ સાથે રાહત બચાવની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે મુખ્ય સચિવે આઠ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. પંકજ કુમારે ટેકનોલોજીના માધ્યમ દ્વારા બચાવ અને રાહત કામગીરી માટે વધુ સુસજ્જ બનવા સૂચના આપી હતી. આ ઉપરાંત આઠ જિલ્લામાં વધુ પાંચ એનડીઆરએફની ટીમો રવાના કરાઈ છે. તેમણે ભરૂચ, તાપી, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વન ટુ વન સમીક્ષા કરીને કરેલી તૈયારીઓ અને કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ જિલ્લાકક્ષાના ડિઝાસ્ટર પ્લાન સંદર્ભે વધુને વધુ સજ્જતા કેળવવા અનુરોધ કર્યો હતો.