રાજયમાં ક્રમશઃ ઘટી રહેલા કોરોના સંક્રમણના કારણે કોલેજ અને હાઈસ્કૂલ બાદ હવે પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના વર્ગો પણ શરૂ થાય તેવી પૂરી શક્યતા છે. રાજયની તમામ પ્રાથમિક શાળામાં આવતીકાલથી શિક્ષકોની ફરજનો સમય સવારના બદલે પૂર્ણ સમયનો કરાશે.

તમામ પ્રાથમિક શાળામાં શિક્ષકોની 100 ટકા હાજરી માટે સૂચના આપવામા આવી છે. અત્યાર સુધી કોરોના સંક્રમણના પગલે શિક્ષકોને રોટેશન મુજબ બોલાવવામા આવતા હતા. રાજયમાં 15 ફેબ્રુઆરી અથવા ફેબ્રુઆરીના અંતમાં પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

નોંધનીય છે કે, ધોરણ 9થી 12 બાદ હવે આજથી રાજ્યમાં જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં આજથી પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ થશે. ધોરણ 12 પાસ કરીને આવેલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા પછી લાંબા સમય સુધી ઘરેથી અભ્યાસ કર્યા બાદ હવે જે કોલેજમાં પ્રવેશ લીધો છે તે કોલેજમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરશે.

જો કે હાલમાં ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી તમામ કોલેજો પૈકી મોટાભાગની કોલેજોમાં હાલ ઈંટરનલ એક્ઝામ ચાલી રહી છે. યુનિવર્સિટીએ દરેક કોલેજોને ફેબ્રુઆરીના અંત સુધીમાં ઈંટરનલ માર્કસ મોકલી આપવા સૂચના આપી હતી. જે પ્રમાણે હાલમાં કોલેજોએ પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટે ઈંટરનલ એક્ઝામ શરૂ કરી દીધી છે.