નવા વર્ષથી છપાનારા પુસ્તકોના ભાવમાં 45 ટકાનો ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે. મળતી જાણકારી અનુસાર, પાઠ્યપુસ્તક મંડળે કાગળ ખરીદીની શરતોમાં ફેરફાર કર્યો હોવાના કારણે પુસ્તકોના ભાવમાં ઘટાડો થશે. જેની સીધી અસર વાલીઓના ખીસ્સા પર થશે એટલે કે આર્થિક ભારણ ઘટશે.

પાઠ્યપુસ્તકોની કિંમતનો આધાર કાગળ પર હોય છે. અત્યાર સુધી રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ 80 GSMના કાગળની ખરીદી કરતું પરંતુ હવે નવા નિર્ણયથી 70 GSMના કાગળ ખરીદવાની શરૂઆત કરી દેવામાં આવી. એટલું જ નહીં ટેન્ડરની શરતોમાં પણ ફેરફાર કર્યો હતો. પહેલા ટેન્ડરની શરતો એવી હતી કે મોટો જથ્થો એક સાથે મંગાવવામાં આવતો હોવાથી કંપનીઓનું ટર્ન ઓવર પણ મોટું હોય તેવું માંગવામાં આવતું જેથી નાની કંપનીઓ ભાગ લઈ શકતી ન હતી.

પરંતુ નવી ટેન્ડર પ્રક્રિયામાં એક સાથે મોટા જથ્થામાં કાગળ મગાવવાના સ્થાને બે હજાર ટનના કાગળ મંગાવવામાં આવ્યા હતા. સાથે જ ટેન્ડરની શરતો પણ હળવી કરી દેવામાં આવી હતી. ત્યારે નાની કંપનીઓ પણ સ્પર્ધામાં ઉતરી હતી. આ સ્થિતિમાં સ્પર્ધા વધતા કંપનીઓએ પણ કાગળના ભાવમાં ઘટાડો કર્યો હતો. જેથી જે કાગળ 100થી વધુ રૂપિયાના ભાવનો હતો એ હવે 55થી ઓછા રૂપિયામાં મળી રહે છે. જેની અસર નવા પાઠ્યપુસ્તકોના ભાવ પર થશે.