રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, જાણો ક્યારથી ઠંડીમાં મળશે રાહત, હવામાન વિભાગે શું કરી આગાહી?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Jan 2021 07:22 AM (IST)
ઉત્તર ભારતમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જમ્મુ-કશ્મીર, હિમાચલ સહિતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે.
પ્રતિકાત્મક તસવીર
રાજયમાં આગામી દિવસોમાં લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના મતે કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની શક્યતા છે. તો અન્ય વિસ્તારમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં પણ ઠંડીનું જોર રહેશે. જો કે બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થવાની આગાહી કરવામા આવી છે. રાજયમાં આજે 4.3 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે. ગાંધીનગરનું 6.8 ડીગ્રી, વડોદરા 10.4 ડિગ્રી અને અમદાવાદનું 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું. બીજી બાજુ ઉત્તર ભારતમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં અનેક રાજ્યમાં ભારે હિમવર્ષાથી જનજીવનને માઠી અસર પહોંચી છે. જમ્મુ-કશ્મીર, હિમાચલ સહિતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. શ્રીનગરમાં ઠંડીનો પારો માઈનસ 7.7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ભારે હિમ વર્ષા થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ભારે હિમ વર્ષાથી દાલ લેક પણ થીજી ગયુ છે. તો હિમવર્ષાની સ્થાનિકો અને પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. ભારે હિમવર્ષાથી જમ્મુ-કશ્મીરના અનેક રોડ રસ્તાઓ પર બંધ થતા વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી છે.