Rain:  રાજ્યમાં ચોમાસાની વર્તમાન સીઝનમાં સરેરાશ કુલ 79.83 ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છ ઝોનમાં સૌથી વધુ 135.80 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૨.૨૬ ટકા જળસંગ્રહ થયો હતો. સરદાર સરોવર પરિયોજનામાં ૭૪.૮૦ ટકા જળસંગ્રહ થયો હતો. રાજ્યના ૯૨ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર છે.


રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૯.૮૩ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૩૫.૮૦ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૯.૪૬ ટકા ઉત્તર ગુજરાતમાં ૬૬.૮૫ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૭૦.૫૦ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૩.૪૭ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.


 રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૨.૨૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૫૧,૧૮૪ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૭૫.૧૯ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૧.૧૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૮.૯૭ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૨.૩૭ ટકા, કચ્છ ઝોનના ૨૦ જળાશયોમાં ૬૬.૨૩ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૮૩.૭૦ ટકા જળસંગ્રહ થયો છે.


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૬૫ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૨૭ જળાશયો મળી કુલ ૯૨ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૭ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૯ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 9 થી 13 ઓગસ્ટ વચ્ચે અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. તેમના આંકલન મુજબ, 9 ઓગસ્ટે વરસાદની એક સિસ્ટમ સર્જાતા ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે. જો કે આ વરસાદ પૂર લાવે તેવો નહીં હોય, રાજ્યના અનેક વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ આ સિસ્ટમ લાવશે.


અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.  આ સિવાય ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ , નવસારી અને વલસાડમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાશે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ થવાની આગાહી કરાઈ છે