રાજ્યના મોટાભાગના જિલ્લામાં આજથી ફરીથી ચોમાસુ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે નવસારી, વલસાડ, ડાંગ, રવિવારે સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર, તો સોમવારે નવસારી, વલસાડ, દમણ, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જો કે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ માત્ર હળવા વરસાદ વરસી શકી છે.
મહારાષ્ટ્રમાં વરસાદ
મહારાષ્ટ્રમાં વરસેલા મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. સાથે જ અનેક જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ અને કોલ્હાપુર સહિતના પાંચ જિલ્લામાં મેઘતાંડવથી હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુશળધાર વરસાદથી મહારાષ્ટ્રની લગભગ તમામ નદીઓ ગાંડીતૂર બની છે.
મોટાભાગના ડેમ છલકાય ગયા છે. પહાડો પરથી તોફાની ધોધના પાણી પણ ચારેય તરફ ધમસમી રહ્યાં છે. ખાસ કરીને રત્નાગીરી જિલ્લાના તાલુકા ચીપલુણમાં આભ ફાટ્યું છે. મુશળધાર વરસાદથી ચીપલુણમાં પાંચ હજારથી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા છે. તો લોકોના જીવ બચાવવા માટે NDRFની ટીમ પણ ચીપલુણ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. જો કે જળબંબાકારની સ્થિતિ સર્જાતા NDRFની ટીમ ચીપલુણ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી જળબંબાકારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હાલ હવાઈ દળના બે હેલિકોપ્ટર્સે કામગીરી શરૂ કરી છે. સાથે જ લાઈફ સેવિંગ બોટની પણ મદદ લેવામાં આવી રહી છે.
ધોધમાર વરસાદ વરસતા ચીપલુણના બજારો, શેરીઓ અને રસ્તાઓ પર 10થી 12 ફુટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા છે. બહાદુર શેખ નામના બજારમાં 12થી 14 ફુટ જેટલા વરસાદી પાણી ભરાઈ ગયા છે. અનેક ઘર, દુકાનો પાણીમાં ડુબી ગયા છે. તો કેટલીક બિલ્ડિંગ્ઝના પહેલા માળ સુધી પહોંચી ગયા હોવાથી લોકોએ બીજા માળે આશરો લેવો પડ્યો છે. જળબંબાકારમાં અસંખ્ય વાહનો તણાઈ ગયા છે.
ધોધમાર વરસાદથી ચુપલુણનો પુળકેવાડી ડેમ છલકાઈ ગયો છે. ડેમમાં પાણીનુ જળસ્તર વધતા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. અતિ ભારે વરસાદને કારણે આખા રત્નાગિરી જિલ્લામાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર સંદતર ખોરવાઈ ગયો છે. મોબાઈલ ફોન નેટવર્ક પણ ખોરવાઈ જવાી ચીપલુણ આખા જિલ્લાથી સંપર્ક વિહોણુ થયું છે. તો મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને જે સંકટની સ્થિતિ ઉભી થઈ છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીને રાજ્યમાં વરસેલા ધોધમાર વરસાદ અને પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ટ્વિટરના માધ્યમથી કેંદ્ર તરફથી દરેક સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતુ. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરથી કોંકણ રેલવે માર્ગ પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ અને લગભગ છ હજાર મુસાફરો ફસાઈ ગયા છે.