ગાંધીનગર:  રાજ્યમાં વરસાદ ખેંચાતા જળસંકટનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતની જનતાને અભય વચન આપ્યું છે.  નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાઈ.  નર્મદા ડેમમાં હાલમાં એક વર્ષ સુધી ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.  પીવાનું પાણી અનામત રાખીને બાકીનું પાણી સિંચાઈ માટે ખેડૂતોને આપવામાં આવશે તેવો પણ દાવો કર્યો છે. 


વધુમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે નર્મદા સહિત રાજ્યના તમામ ડેમમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. દર વર્ષ કરતા ચાલુ વર્ષે રાજ્યમાં ખૂબ ઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે.  


વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર ગંભીર બની છે. વરસાદને લઈને કૃષિમંત્રીએ નિવેદન આપ્યું છે કે વરસાદ બાબતે આશાવાદી છીએ. સાથે રાજ્યના નાગરિકોને ખાતરી આપી કે રાજ્યમાં જળસંપતિ યોજના આવેલી છે તેમાં પાણી છે. પીવાના પાણીના અગ્રતા આપીને બાકીનું પાણી કૃષિ સિંચાઈ માટે જોડવામાં આવશે. 


98 ડેમમાં માત્ર 25 ટકા પાણી 


 


ગુજરાત પર આવી પડી છે જળસંકટની આફત. ઓગષ્ટ મહિનો પૂર્ણ થવા આવ્યો રાજ્યમાં 65 ટકા ઓછા વરસાદને કારણે દુષ્કાળના ભણકારા વાગવા લાગ્યા છે. અત્યાર સુધી 41.75% વરસાદ થયો છે. રાજ્યના 98 ડેમમાં હાલ 25 ટકા પાણી છે. જ્યારે નર્મદા ડેમમાં ક્ષમતા કરતા 20 મીટર ઓછું પાણી છે.


22 તાલુકામાં 5 ઇંચથી ઓછો વરસાદ છે તો સરેરાશથી 20 ઇંચ વધુ વરસાદ હોય એવા માત્ર 36 તાલુકા છે. કુલ 19 જિલ્લામાં વરસાદની ઘટ 50 ટકાથી વધુ છે.નર્મદા યોજનામાં વર્ષે રૂ. 7 હજાર કરોડનો ખર્ચ થાય છે છતાં લોકોને પાણીની સમસ્યાઓ સામે લડવું પડે એવી સ્થિતિ છે. બનાસકાંઠા જિલ્લાના બે તાલુકાઓ લાખણી અને થરાદમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ છે.


રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. 19 જિલ્લાઓમાં 50%થી પણ વધારે વરસાદની ઘટ છે. ગાંધીનગરમાં 67%, અરવલ્લીમાં 67%, સુરેન્દ્રનગરમાં 64%, વડોદરામાં-મહિસાગરમાં સરેરાશથી 57% વરસાદની ઘટ છે. ગુજરાતના 207 જળાશયોમાંથી માત્ર 3 જળાશય 100 ટકા ભરેલા છે. હાલમાં કુલ જળસંગ્રહ 48.89% છે.