સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢતા સવાલ કર્યો કે દિલ્હી, મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં કોરોનાની સિૃથતિ વધુ ખરાબ છે છતા રાજ્ય સરકારે લગ્ન પ્રસંગો યોજવાની છૂટ કેમ આપી છે ?
ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં સુપ્રીમ કોર્ટની બેંચના ન્યાયાધીશ જસ્ટિસ એમ.આર. શાહે ગુજરાત સરકાર વતી હાજર સરકારી વકીલને સવાલ કર્યો હતો કે, આ શું થઇ રહ્યું છે? કોરોનાનો રોકવા માટે સરકારની નીતિ શું છે? આ બધુ શું ચાલી રહ્યું છે? ગુજરાતમાં દિલ્હી અને મહારાષ્ટ્ર પછી સૌથી ગંભીર સ્થિતી હોવા છતાં સરકાર કેમ કશું કરતી નથી ?
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અશોક ભૂષણની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટની બેંચે ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, આસામ પાસેથી કોરોના સામે શું પગલા લીધાં તેનો સંપૂર્ણ રિપોર્ટ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને કહ્યું છે કે તેઓ કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર પાસેથી કેવા પ્રકારની મદદ ઇચ્છે છે તે પણ જણાવે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત, દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઉછાળો જોવા મળ્યો છે. હોસ્પિટલમાં વેન્ટિલેટરવાળા બેડની અછત ઉભી થાય તેવી ભીતિ છે તેથી ફરી કેટલાક રાજ્યો કરફ્યૂ તરફ વળી રહ્યા છે.