મહેસાણા: મહેસાણાના ઉનાવા સર્વોદય માધ્યમિક શાળામાં વન રક્ષકના પેપર કાંડ મુદ્દે  જિલ્લા પોલીસ વડાએ  ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે,  શાળાનાં જ એક શિક્ષકે પોતાના અંગત લોકોને ફાયદો પોહચાડવા પેપરના ફોટા પાડી તેના જવાબો સોલ્વ કર્યા હતા. જે મુદ્દે છ લોકોની અટકાયત કરી તપાસ શરુ કરાઇ છે.


મહેસાણાના ઉનાવા સર્વોદય માધ્યમિક શાળામાં વન રક્ષકની પરીક્ષા પેપર  લીક થવાના મામલે પોલીસે તપાસ શરુ કરી છે. જોકે અત્યાર સુધીમાં મુખ્ય શિક્ષક સહિત છ લોકોની અટકાયત કરી છે. તો બીજી તરફ  જિલ્લા પોલીસ વડાએ  પ્રાથમિક મહિતી આપતા કહ્યું હતું કે અહી પેપર ફૂટયું નથી પણ  પેપર શરુ થયાના અડધા કલાકમાં એક શિક્ષકે  પેપરનો ફોટો પાડી તેને સોલ્વ કરી તેના જવાબો આપ્યા હતા.  પોતાના અગત બે ચાર લોકોને ફાયદો પોહચાડવા આ રીતે એક શિક્ષકે પેપરના જવાબો પોતાના અગત લોકને મોકલ્યા હતા. જોકે પોલીસ આ કેસને પેપર લીક નહીં પણ કોપી કેસ કરી રહી છે.


પોલીસે કરી મોટી કાર્યવાહી


ઉંઝાના ઉનાવા સર્વોદય સ્કૂલમાં પેપર કાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમા પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય શિક્ષક  સહીત છ લોકોની તપાસ અર્થે અટકાયત કરી છે. જ્યારથી એવી વાત સામે આવી છે કે પેપર ફૂટ્યું છે ત્યારથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ પણ સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. જો કે. પેપર કાંડ મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસ વડા  સહીતનો કાફલો તપાસમાં જોડાયો છે. આ ઉપરાંત એલસીબી. એસઓજી સહીતની ટીમો પણ તપાસમાં જોડાઈ છે.


આજે વન રક્ષકની પરીક્ષામાં સામે આવેલી ગેરરીતિ મામલે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં પણ પેપર ફૂટતા હતા પરંતુ ખબર પડતી ન હતી. આજે અમારી બીજેપીની પારદર્શક સરકાર છે એટલે ખબર પડે છે, કોંગ્રેસના સમયમાં કેટલા પેપર ફૂટતા અને લોકો કેવી રીતે પાસ થતા હતા તેવું આજે નથી થતું. આ ઉપરાંત તેમણે તાપી લિંક પ્રોજેક્ટ અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, હું તાપી લિંક પ્રોજેક્ટનો સીધો વિરોધ નથી કરતો પરંતુ આ પ્રોજેક્ટ થોડો નાનો બનાવવાની જરૂર છે.  જો મોટો બનશે તો આદિવાસી ખેડૂતોને ખોટ જશે. આ  પ્રોજેક્ટની બંને બાજુના 15 કીલોમીટરના ખેડૂતોને પાણી મળવું જોઈએ અને જે ખેડૂતોની જમીન જાય તેને વળતર મળવું જોઇએ.


શું છે સમગ્ર ઘટના?


વિવિધ ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટનાઓ વચ્ચે ફરીથી વધુ એક સરકારી ભરતીની પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. મહેસાણાના ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર ઉપર યોજાયેલી વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં નાગરિક મંડળના લેટર પેડ ઉપર પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હોવાની આશકા છે. મળતી માહિતી મુજબ 10 નંબરના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિધાર્થી જવાબ વાળા લેટરપેડ સાથે રૂમમાં આવ્યો હતો. પરીક્ષા ખંડમાં જવાબ સાથે ઉમેદવાર આવતાં નિરીક્ષકે પકડી પાડ્યો હતો અને પેપર ફોડવાનો ભાંડો ફૂટ્યો હતો.