સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસની કારમી હાર થઈ છે. પહેલી વખત ચૂંટણી લડનારાઓ દિગ્ગજો પણ હાર્યા છે અને તેમના પુત્રો પણ હાર્યા છે. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ જેને પેટલાદ પાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 3 અને 5માંથી મેદાનમાં ઉતર્યા હતાં. જોકે બંને જગ્યાએ તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.


ખુદ ધારાસભ્ય પાલિકાની ચૂંટણી હારી ગયા છે. તો કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમના પુત્ર કરણ માડમની પણ ચૂંટણીમાં હાર થઈ છે. કરણ માડમ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા.

આ ઉપરાંત ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલનો પણ પરાજય થયો છે. તો વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા પણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં હારી ગયા છે. ન માત્ર કૉંગ્રેસના ધારાસભ્ય પરંતું BTPના ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા પણ જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયા છે.

વિધાનસભાની પેટાચૂંટણી, મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં ભાજપે સતત વિજય મેળવ્યો છે. રાજ્યમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો છે. જયારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે. ભાજપે વિજયની હેટ્રિક નોંધાવી છે.

31 જિલ્લા પંચાયતો, 196 તાલુકા પંચાયતો, 75 નગર પાલિકાઓમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે અને શહેરી મતદારોની જેમ ગ્રામિણ મતદારોએ પણ વિકાસની રાજનીતિ પર મહોર મારી છે.

ભાજપે તાલુકા પંચાયતમાં 3236, જિલ્લા પંચાયતમાં 771 અને નગરપાલિકામાં 2027 બેઠકો મેળવી છે. પાલિકા-પંચાયતોમાં પરિણામ બાદ ભાજપના નેતા-કાર્યકરોએ ગુલાલ ઉડાડી જીતનો જશ્ન મનાવ્યો હતો. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓએ મોં મીઠા કરી જીતને આવકારી હતી. ભાજપે મહાનગરપાલિકા, નગરપાલિકા,પંચાયતોમાં ડંકો વગાડી વર્ષ 2022માં જીત માટેનો માર્ગ મોકળો કરી દીધો છે.