અમદાવાદઃ નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લા માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નર્મદા નદીમાં પાણી છોડાતા ત્રણેય જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરવામા આવ્યા છે. નર્મદા નદીમાં પાણીની ભારે આવક થતા તીર્થધામ ચાણોદનો મલ્હારરાવ ઘાટ પર પાણી ફરી વળ્યા છે. તો કપિલેશ્વર ઘાટ, ચક્રતીર્થ ઘાટ, ચંડિકા ઘાટ, સોમનાથ ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા છે.

બીજી બાજુ ચાણોદથી ભીમપુરા-નંદેરિયા જવાના મુખ્ય માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે. તો કોટ ફળિયા, વસાવા ફળિયામાં પામી ફરી વળતા નંદરિયા તરફનો વાહન વ્યવહાર બંધ કરવામા આવ્યો છે. સાથે જ પાંચપીપળા, ભાથીજી મંદિર ઝારાફળિયાથી જુના માંડવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે.

નોંધનીય છે કે, નર્મદા ડેમમાં પાણીની ધરખમ આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 10 લાખ 15 હજાર 569 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. અને ડેમની જળ સપાટી 132.51 મીટર પહોંચી છે. પાણીની સતત આવકના કારણે ડેમના 23 દરવાજા ખોલી 9 લાખ 54 હજાર ક્યુસક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નર્મદા, ભરૂચ સહિતના નીચાણવાળા વિસ્તારોના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.