અમદાવાદ: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સારા વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. સાથે જ 25 જુલાઈના રોજ ભારે વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાત પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.


24 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકાને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી


25 જુલાઈના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાગનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.


26 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારેથિ અતિભારે વરસાદની આગાહી.


મહારાષ્ટ્રમાં મેઘ તાંડવ



મહારાષ્ટ્રમાં મેઘતાંડવથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં વરસેલા મૂશળધાર વરસાદથી અલગ અલગ દુર્ઘટના અને ભુસ્ખલનથી 129 લોકોના મૃત્યુ નિપજ્યા છે. તો ભારતીય હવામાન વિભાગે પણ સતારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાક કાંઠા વિસ્તાર કોંકણના રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાની સાથે પશ્ચિમ મહારાષ્ટ્રના પૂણે, સતારા અને કોલ્હાપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


પશ્ચિમ મહારાષ્ટ્રના પૂણે મંડળમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરથી લગભગ 84 હજાર 452 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે. જેમાં 40 હજારથી વધુ લોકો કોલ્હાપુર જિલ્લાના છે. પૂણે અને કોલ્હાપુરની સાથે મંડળમાં સાંગલી અને સતારા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ અને ભુસ્ખલનથી સતારા પણ ખુબ જ પ્રભાવિત થયું છે.


રાયગઢ જિલ્લામાં અલગ અલગ ભુસ્ખલનથી 38 લોકોના મૃત્યુ નિપજ્યા છે. મેઘતાંડવની વચ્ચે હવામાન વિભાગે પણ સતારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દીધુ છે. અને આગામી 24 કલાક લોકોને પર્વતીય સ્થળોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે.


અધિકારીઓના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકમાં મૃતકોની સંખ્યા વધીને 129 પર પહોંચી ગઈ છે. સૌથી વધુ મૃત્યુ રાયગઢ અને સતારા જિલ્લામાં થઈ છે. એટલુ જ નહી ભુસ્ખલન સિવાય ઘણા લોકો પૂરમાં તણાયા પણ છે.









અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય થળ સેના અને નૌસેનાની છ ટીમો શનિવાર સવારથી જ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. મહારાષ્ટ્રમાં આવેલા વિનાશક પુરથી 54 ગામ પ્રભાવિત થયા છે. જ્યારે 821 ગામ આંશિક રૂપથી પ્રભાવિત થયા છે. ફક્ત કોલ્હાપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 40 હજાર 882 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે.


તો કોલ્હાપુર જિલ્લામાં પૂરને લીધે 10 રાજ્ય ધોરી માર્ગો સહિત ઓછામાં ઓછા 39 રસ્તાઓ બંધ થઈ ગયા છે. મહારાષ્ટ્ર સરકારે પણ ભુસ્ખલનમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને પાંચ પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.