Lok Sabha Elections: લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ઉમેદવારોને લઇને ADR રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. એડીઆરના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ભાજપના 26 ઉમેદવારમાંથી 4 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જ્યારે કોંગ્રેસના 23 ઉમેદવારમાંથી 6 ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ છે.રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ભાજપના 26 પૈકી 24 ઉમેદવાર કરોડપતિ છે. ગુજરાતમાં કોંગ્રેસના 23 પૈકી 21 ઉમેદવાર કરોડપતિ છે. ગુજરાતમા સૌથી વધુ આવક અને સંપત્તિ ધરાવતા ઉમેદવાર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે તેમની પાસે 147 કરોડની સંપતિ છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પાસે 65 જ્યારે સી.આર.પાટીલ પાસે 39 કરોડની સંપતિ છે.

લોકસભાની 2024 ચૂંટણીના ત્રીજા તબક્કાનું 7 મે રોજ મતદાન થવાનું છે. તે અગાઉ ADR દ્ધારા ચૂંટણી લડતા ઉમેદવારોના શિક્ષણ,સંપતિ અને ગુનાહિત ઇતિહાસ અંગેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાતમાં 25 બેઠકો પરના ઉમેદવારો અંગેની જાણકારી આ રિપોર્ટમાં મેળવીશું.પ્રત્યેક ચૂંટણી દરમિયાન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એટલે ADR દ્વારા દેશમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 1352 ઉમેદવારોની સંપત્તિ, શિક્ષણ અને ગુનાહિત ઇતિહાસનું વિશ્લેષણ કર્યું હતું જેમાં ગુજરાતની 26 બેઠકના કુલ 266 ઉમેદવારોનો સમાવેશ થાય છે.


639 ઉમેદવારોનો અભ્યાસ ધોરણ 5 થી 12 સુધીનો છે


ત્રીજા તબક્કાના ઉમેદવારોમાંથી 639 ઉમેદવારોનો અભ્યાસ ધોરણ 5 થી 12 સુધીનો છે. 591 ઉમેદવારો ગ્રેજ્યુએટ અથવા તેનાથી વધુ અભ્યાસ કરેલો છે.  44 ઉમેદવારોએ ડિપ્લોમા સુધીનું શિક્ષણ મેળવ્યું છે.  જેમાંથી ગુજરાતમાં 152 ઉમેદવારમાંથી 5 થી 12 ધોરણનું શિક્ષણ મેળવ્યું છે. જ્યારે સાત ઉમેદવારો અશિક્ષિત છે. ત્રીજા તબક્કામાં ચૂંટણી લડનારા ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ અંગે નજર કરીએ તો કોંગ્રેસના 68 ઉમેદવાર માંથી 26 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જ્યારે  ભાજપના 82 ઉમેદવારમાંથી 22 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.


ચૈતર વસાવા વિરુદ્ધ 13 કેસ નોંધાયેલા છે


ગુજરાતની વાત કરીએ તો ભાજપના 26 પૈકી ચાર ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.  જ્યારે કોંગ્રેસના 23 માંથી 6 ઉમેદવાર ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગુજરાતમાં ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધનનાં ઉમેદવાર ચૈતર વસાવા પર 13 કેસ, અનંત પટેલ પર 4 કેસ, હીરાભાઈ જોટવા પર 2 કેસ હેમતસિંહ પટેલ પર 2 કેસ ,ચંદનજી ઠાકોર વિરુદ્ધ એક કેસ, સુખરામ રાઠવા વિરુદ્ધ એક કેસ અને ગેનીબેન ઠાકોર સામે એક કેસ નોંધાયેલો છે.  ભાજપના નેતા અમિત શાહ વિરુદ્ધ ત્રણ કેસ, રાજેશ ચુડાસમા પર એક કેસ, જશુભાઈ રાઠવા વિરુદ્ધ એક કેસ, અને છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા પર એક કેસ નોંધાયેલો છે.


ગુજરાતના કોંગ્રેસના નેતા કરતા ભાજપના નેતાની સંપત્તિ વધુ છે


 શિક્ષણ અને ગુનાહિત ઇતિહાસ બાદ સંપતિ અંગે પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.  ADR દ્વારા ગુજરાતની 26 બેઠકોમાં લડતા ભાજપ કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર સંપત્તિનું વિશ્લેષણ કર્યું છે જે જોતા ગુજરાતના કોંગ્રેસના નેતા કરતા ભાજપના નેતાની સંપત્તિ વધુ છે. કોગ્રેસના 68 પૈકી ૬૦ ઉમેદવારો કરોડપતિ છે જ્યારે ભાજપના 82 પૈકી 77 ઉમેદવાર કરોડપતિ છે. દેશના 10 ધનિક ઉમેદવારોમાં 5 ભાજપના,2 કોંગ્રેસ, 1 SP,1 NCP અને અપક્ષ ઉમેદવાર છે. દેશમાં સૌથી અમીર ઉમેદવાર ગોવા ભાજપના પલ્લવી ડેમ્પો છે જેની કુલ મિલકત 1361 કરોડ રૂપિયા છે.


ગુજરાત ભાજપના 26 પૈકી 24 ઉમેદવાર કરોડપતિ છે જ્યારે કોંગ્રેસના 23 પૈકી 21 ઉમેદવાર કરોડપતિ છે. ગુજરાતમાં સૌથી વધારે આવક અને મિલકત ધરાવતો ઉમેદવારોમાં ભાજપના 3 ઉમેદવારનો સમાવેશ છે. ભાજપના પૂનમ માંડમ 147 કરોડ,અમિત શાહ 65 કરોડ,સી આર પાટીલ 39 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. જ્યારે સૌથી ઓછી આવક અને મિલકત ધરાવતા ત્રણ ઉમેદવારમાં બીએસપીના રેખાભાઈ હરસિંગ ચૌધરી, કોંગ્રેસના નિલેશ વસાઈકર અને  અન્ય એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે.

સંપતિ સાથે સાથે ગુજરાતના ચૂંટણી લડતા ઉમેદવારના માથે દેવું કેટલું છે તેની જાણકારી પણ આપવામાં આવી છે. ભાજપના પૂનમ માડમ પર 53 કરોડનું દેવું છે. કોંગ્રેસના ચંદનજી ઠાકોર પર નવ કરોડ અને કોંગ્રેસના જેની ઠુંમરના નામે ત્રણ કરોડ રૂપિયાનું દેવું છે.