ગાંધીનગર: ગુજરાતમાં  કાળઝાળ ગરમીથી આવતીકાલથી થોડી રાહત મળશે. આ આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે એવામાં આવતીકાલથી ગરમીનું પ્રમાણ ઘટશે.  આજે અમદાવાદ,  સુરેન્દ્રનગર,  ડીસા,  ગાંધીનગર , વડોદરા અને વલ્લભ વિદ્યાનગર  સૌથી ગરમ રહ્યા છે. 


આ તમામ શહેરોમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  ખેડૂતો સહિત દેશવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે  અંદામાન નિકોબારમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગના મતે ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિત સાનુકૂળ છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરાઈ છે. જોકે, ગરમી ઘટવાની સાથે ભેજનું પ્રમાણ વધશે. મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. 


રાજ્યમાં પશ્ચિમ પવનો કે જે અરબી સમુદ્ર પરથી આવી રહ્યા છે તે ભેજ લઈને આવે છે જે આગામી સમયમાં ગરમી ઘટતા ભેજનું પ્રમાણ વધી શકે છે અને તેના કારણે બફારો અને અકળામણ અનુભવાઈ શકે છે.


આંદામાનમાં ચોમાસું ત્રણ દિવસ મોડું પહોંચ્યું


ચોમાસું ત્રણ દિવસ મોડું આંદામાન પહોંચી રહ્યું છે. સામાન્ય રીતે  ચોમાસું 16-17 મેની આસપાસ આંદામાન પહોંચતું હોય છે, પરંતુ આ વખતે તે અહીં ત્રણ દિવસ મોડું પહોંચી રહ્યું છે અને આ કારણોસર તે કેરળમાં પણ મોડું પહોંચશે, જ્યાં તે 1 જૂનને બદલે 4 જૂને પહોંચશે.


દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળથી શરૂ થાય છે અને ત્યાર બાદ તે તમિલનાડુ, બંગાળની ખાડી, કોંકણ, કર્ણાટક, મુંબઈ, ગુજરાત સુધી પહોંચે છે અને ત્યાર બાદ તે પશ્ચિમ અને ઉત્તર ભારતના પ્રદેશોમાં આગળ વધે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, ચોમાસું મોડું થઈ રહ્યું હોવા છતાં તે સામાન્ય રહેશે અને સરેરાશ કરતાં વધુ વરસાદની શક્યતા છે. અત્યાર સુધીના અનુમાન મુજબ આ વખતે અલ નીનોની અસર ચોમાસા પર પણ જોવા મળશે, પરંતુ તેની અસર ચોમાસાના અંતિમ તબક્કામાં જોવા મળશે.


IMD અનુસાર, આ વખતે 96 ટકા વરસાદ થઈ શકે છે, જે સામાન્ય વરસાદ છે. જ્યારે સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા 67 ટકા છે. હાલમાં ચોમાસાની આ આગાહી છે. હવામાન વિભાગ મે મહિનાના અંતિમ દિવસોમાં ચોમાસાને લઈને અપડેટ્સ પણ જારી કરશે.